સુરત : સરકારી એમ્બ્યુલન્સમાં નોકરીની લાલચ આપીને યુવાન પાસેથી રૂ.63,250 પડાવ્યા


- નોકરી કરવી હોય તો રૂ. 1 લાખના 50 ટકા રૂપિયા આપવા પડશે
- રૂ. 50,000 લીધા હતા અને બાદમાં તે ફોન બંધ કરી ફરાર થઈ ગયો
- એમ્બ્યુલન્સમાં નોકરી આપવાની વાત કરી રૂપિયા પડાવી લીધા
સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અમરેલી લીલીયાના યુવાનને સરકારી એમ્બ્યુલન્સમાં નોકરી આપવાની વાત કરી જુદાજુદા કામના બહાને જૂનાગઢના ઠગે રૂ.63,250 પડાવ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો.
એમ્બ્યુલન્સમાં નોકરી આપવાની વાત કરી રૂપિયા પડાવી લીધા
ભોગ બનેલા યુવાને લીલીયામાં કરેલી અરજીના આધારે સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હવે સુરતની સરથાણા પોલીસને સોંપી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરેલી લીલીયા ક્રાકચ ગામનો 35 વર્ષીય કેતનગીરી યોગેશગીરી ગૌસ્વામી ડ્રાઇવીંગનું કામ કરે છે. ગત 6 ડિસેમ્બર, 2024 ના રોજ તે સુરતના સરથાણા જકાતનાકા ખાતે મિત્ર રોહીતગીરી અમરગીરી ગૌસ્વામીના લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો ત્યારે મિત્ર જીવણ વાજાએ ફોન કરી તેને જૂનાગઢ માંગરોળ સબજેલ પાછળ રહેતા પોતાના મિત્ર આશીષ દાનાભાઈ રાઠોડનો ફોન નંબર આપી સરકારી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરની નોકરી ખાલી હોય તેની સાથે વાત કરવા કહ્યું હતું.
રૂ. 50,000 લીધા હતા અને બાદમાં તે ફોન બંધ કરી ફરાર થઈ ગયો
કેતનગીરીએ આશીષને ફોન કરી વાત કરતા તેણે નોકરી કરવી હોય તો રૂ. 1 લાખના 50 ટકા રૂપિયા આપવા પડશે તથા પરીક્ષા આપ્યા બાદ 50 ટકા રૂપિયા આપવાના રહેશે તેમ કહેતા કેતનગીરી તૈયાર થયો હતો. ત્યાર બાદ તેના કહ્યા મુજબ રજીસ્ટ્રેશન ફી રૂ. 3250 અને પરીક્ષા ફી રૂ. 10,000 તેને આપી 12 ડિસેમ્બર 2024 ના રોજ ગાંધીનગર સચિવાલયના પાર્કીંગમાં પોતાની કારમાં બેસાડી આશીષે પરીક્ષા પણ અપાવી હતી. તે સમયે તેણે બીજા દિવસે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે બીજા રૂ. 50,000 લીધા હતા અને બાદમાં તે ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
વધુ તપાસ પીએસઆઈ ડી.કે.પરમાર કરી રહ્યા છે
રૂ. 63,250 ની ઠગાઈ અંગે કેતનગીરીએ લીલીયા પોલીસ મથકમાં અરજીના આધારે ફરિયાદ નોંધાવ્યા બાદ ગુનો સરથાણા પોલીસની હદમાં બન્યો હોય હવે તપાસ સરથાણા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે. વધુ તપાસ પીએસઆઈ ડી.કે.પરમાર કરી રહ્યા છે.
આ પણ વાંચો: મુંબઇની બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો