અમદાવાદઃ સાચા અર્થમાં શિક્ષણને સૌના અધિકાર તરીકે પ્રસ્થાપિત કરતો નિર્ણય; RTEની આવક મર્યાદામાં વધારાના નિર્ણય પર ABVPની પ્રતિક્રિયા

16 માર્ચ 2025 અમદાવાદ; ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા RTEની આવક મર્યાદામાં વધારાના નિર્ણયનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્વાગત કર્યું છે. અને આ આ અંગે પોતાની પ્રતિક્રિયા રજુ કરીને કહ્યું છે કે આવકના વધારા સાથે પરિવારના ખર્ચમાં વધારો થયો છે તે પણ નરી વાસ્તવિકતા છે, તેવા સમયે RTE હેઠળની આવક મર્યાદાની જોગવાઇમાં આશરે 4.50 લાખ જેટલો વધારાનો નિર્ણય આવકાર યોગ્ય છે.
RTE ની આવક મર્યાદામાં વધારાના નિર્ણયનું અભાવિપ ગુજરાત સ્વાગત કરતી પ્રેસ નોટ
આવક મર્યાદા 6 લાખ કરાતા નવેસરથી પ્રવેશ પ્રક્રિયા કરાશે
ગુજરાત સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા વાર્ષિક 6 લાખ કરાતા હવે નવેસરથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. ગતવર્ષે આવક મર્યાદા કરતા વધુ આવકને લીધે અરજી નકારવામાં આવી હોય તો તેવા વાલીઓ પણ ફરી 15 એપ્રિલ સુધી અરજી કરી શકશે. આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 માર્ચ રાખવામાં આવી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગની મંજૂરી બાદ હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક રૂ. 6 લાખ કરવામાં આવી છે.
4.50 લાખ જેટલો વધારાનો નિર્ણય આવકારવા લાયક
આથી વાર્ષિક રૂ. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા વાલીઓ વેબસાઇટ પરથી 15 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનારા અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે. સમય સાથે લોકોની આવકમાં પણ વધારો થતો જણાઈ છે પરંતુ આવકના વધારા સાથે પરિવારના ખર્ચમાં વધારો થયો છે તે પણ નરી વાસ્તવિકતા છે, તેવા સમયે RTE હેઠળની આવક મર્યાદાની જોગવાઇમાં આશરે 4.50 લાખ જેટલો વધારાનો નિર્ણય આવકાર યોગ્ય છે. ગુજરાતના તમામ વર્ગના વિદ્યાર્થીઓને સ્પર્શતા આ નિર્ણયનું અભાવિપ ગુજરાત સ્વાગત કરે છે તથા સરકારના શિક્ષણ વિભાગને આ નિર્ણય બદલ અભિનંદન પણ પાઠવે છે.
શિક્ષણને સૌના અધિકાર તરીકે પ્રસ્થાપિત કરતો નિર્ણય
ABVP ગુજરાત પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટ HD ન્યૂઝ સાથે વાત કરતા જણાવે છે કે, “ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને RTE હેઠળ પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના વાલીની આવક મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય એ ખુબ દૂર દર્શી છે. વર્ષ 2010થી લાગુ થયેલ RTE એક્ટમાં આવક મર્યાદાની જોગવાઇમાં ગત 15 વર્ષમાં વધારો કરવામાં આવેલ ન હતો તેથી આ વધારો ખુબ જ આવશ્યક હતો. આવક મર્યાદામાં વધારા કરવાના નિર્ણયથી રાજ્યના વધુ પરિવારો સુધી મફત શિક્ષણ પોહચી શકશે, જે સાચા અર્થમાં શિક્ષણને સૌના અધિકાર તરીકે પ્રસ્થાપિત કરતો નિર્ણય સાબિત થશે.