માનવ તસ્કરી એજન્ટ માટે ગુજરાત હબ, EDની તપાસમાં થયો ખુલાસો

નવી દિલ્હી, તા. 14 માર્ચ, 2025: અમેરિકા દ્વારા ગેરકાયદે રહેતા લોકોને પકડીને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાત માનવ તસ્કરી એજન્ટો માટે હબ તરીકે ઉભરી આવ્યું છે. ઈડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ 4,000-4,500 હ્યુમન ટ્રાફિકિંગ એજન્ટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાંથી 2,000 એકલા ગુજરાતના છે.
આ એજન્ટો ઓછામાં ઓછી 150 કેનેડિયન કોલેજો સાથે જોડાયેલા છે જે ભારતના લોકોને કેનેડા થઈને ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવામાં મદદ કરે છે. રિપોર્ટ અનુસાર, એજન્ટો તેમના ગ્રાહકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડિયન કોલેજમાં પ્રવેશ અપાવે છે. કેનેડા પહોંચ્યા પછી તેઓ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે.
ઈડીના અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં લગભગ 2000 એજન્ટો સક્રિય છે. તેઓ કેનેડા રૂટથી હ્યુમન ટ્રાફિકિંગમાં સામેલ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીએ નવેમ્બર 2021 અને જુલાઈ 2024 વચ્ચે આ એજન્ટો અને કેનેડિયન કોલેજો વચ્ચે થયેલા 12,000 થી વધુ નાણાકીય વ્યવહારો શોધી કાઢ્યા છે.કેનેડિયન કોલેજોને આ ચુકવણી ત્રણ કે ચાર ભારતીય નાણાકીય સેવા કંપનીઓ દ્વારા કરવામાં આવી હતીય
અધિકારીએ જણાવ્યું હતું કે કેનેડિયન કોલેજોને મોકલવામાં આવેલી ફી કમિશન કાપ્યા પછી વ્યક્તિના ખાતામાં પરત કરવામાં આવી હતી. આ કમિશન પ્રતિ વ્યક્તિ 55-60 લાખ રૂપિયાની વચ્ચે હતું.ED અધિકારીએ જણાવ્યું હતું કે હ્યુમન ટ્રાફિકિંગ સંબંધમાં મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી 2022 માં યુએસ-કેનેડા સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઠંડીથી મૃત્યુ પામેલા ગુજરાતના મહેસાણાના ડિંગુચાના એક પરિવારના મૃત્યુની કેન્દ્રીય એજન્સીની તપાસના ભાગ રૂપે આ ખુલાસો થયો હતો.
અહેવાલો અનુસાર, અમેરિકામાં ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. 2023 માં અમેરિકામાં 69,391 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સમાંથી 41,330 ગુજરાતીઓ હતા. ઘણા લોકોએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે ગુજરાતના રહેવાસીઓ ‘મોડેલ સ્ટેટ’માંથી મોટી સંખ્યામાં કેમ ભાગી રહ્યા છે. ગયા મહિને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલ કરાયેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાં ગુજરાતના ઘણા લોકો સામેલ હતા.
આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદ સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી