નેશનલ ડેસ્કઃ આજે દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન મોદી સવારે સૌથી પહેલાં રાજઘાટ પહોંચ્યા હતા અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેઓ લાલ કિલ્લા તરફ રવાના થયા હતા. ત્યાંથી તેમણે વડાપ્રધાન તરીકે નવમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. આ સાથે જ તેમણે દેશને સંબોધન કરતા કહ્યું કે, ‘આજનો દિવસ ઐતિહાસિક છે. એક પુણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવી તાકાત સાથે કદમ આગળ મૂકવાનો અવસર છે.’
આઝાદીના યુદ્ધમાં ગુલામીનો પૂરો સમય સંઘર્ષમાં વિત્યો છે. ભારતનો કોઈ ખૂણો એવો ન હતો કે જ્યારે દેશવાસીઓએ અનેક વર્ષો સુધી ગુલામી સામે યુદ્ધ ન કર્યું હોય, આહુતિ ન આપી હોય. આજે તમામ દેશવાસીઓ માટે આ દરેક મહાપુરુષોને નમન કરવાનો અવસર છે. તેઓનું સ્મરણ કરી તેઓના સપનાઓને પૂરા કરવાનો સંકલ્પ લેવાનો અવસર છે. આજે આપણે કૃતજ્ઞ છીએ પૂજ્ય બાપુના, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકરના… તેઓએ કર્તવ્યના માર્ગ પર જીવનને ખપાવી દીધું. આ દેશ કૃતજ્ઞ છે મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક અલ્લા ખાં, રામ પ્રસાદ બિસ્મિલ. આ ક્રાંતિકારીઓએ અંગ્રેજોના શાસનને હલાવી દીધું હતું.
જેઓને ભૂલાવી દેવાયા હતા અમે તેઓને યાદ કર્યા
જ્યારે આપણે આઝાદીની ચર્ચા કરીએ છીએ, ત્યારે જંગલોમાં રહેનાર આદિવાસી સમાજના ગૌરવને ન ભૂલવું જોઈએ. બિસરા મુંડા સહિત અનેક નામો છે. જેઓએ આઝાદીના આંદોલનનો અવાજ બનીને જંગલોમાં દૂર દૂર સુધી આઝાદી માટે પ્રાણ આપી દેવાની પ્રેરણા આપી.
ડરાવવામાં આવ્યું, છતાં ભારત આગળ વધતું ગયું
75 વર્ષની આપણી યાત્રામાં અનેક ઉતાર ચઢાવ આવ્યા. સુખ-દુ:ખ આવતા રહ્યા. આ દરમિયાન આપણા દેશવાસીઓએ પુરુષાર્થ કર્યા. સફળતા મેળવી. એ વાસ્તવિકતા પણ છે કે ગુલામીએ અનેક ઘાવ આપ્યા. આમ છતાં અંદર એક જુસ્સો અને જિદ્દ હતી. આઝાદી મળી રહી હતી ત્યારે દેશવાસીઓને ડરાવાઈ રહ્યા હતા. આપણે અનાજનું સંકટ સહન કર્યું. યુદ્ધનો શિકાર થયા. આતંકવાદીઓનું પ્રોક્સીવોર, કુદરતી આપતીઓ સહન કરી. આમ છતાં ભારત આગળ વધતું રહ્યું.