અંબાણીની જિયોને સીધો પડકારઃ મસ્કની સ્ટારલિંક, ભારતની એરટેલે હાથ મિલાવ્યા

મુંબઇ, 12 માર્ચઃ એલન મસ્કની ટેસ્લાની ભારતમાં આવવાના અહેવાલોની વચ્ચે હવે નવા સમાચાર આવ્યા છે. ભારતમાં કનેક્ટિવીટીમાં વધારો કરવા માટે એલન મસ્કની સ્ટારલિંકે ભારતીય ટેલિકોમ જાયન્ટ એરટેલ સાથે ભાગીદારી કરી છે. જેના હેઠળ સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. જોકે કંપનીએ હજુ તેનું લાયસન્સ લેવાનું બાકી છે. જોકે આ પગલાંને કારણે ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની જિયો સાથેની સ્પર્ધામાં તીવ્ર વધારો થશે. તેની સાથે જિયો સામે મોટો પડકાર પણ ઊભો થશે.
એરટેલે જણાવ્યુ હતુ કે આ કરાર બાદ એરટેલ દ્વારા સ્ટારલિંકના ઇક્વિપમેન્ટ વેચી શકાશે. આ ભાગીદારીથી બંને કંપનીઓને ફાયદો થશે. એરટેલ એકબાજુએ સ્ટારલિંકનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપયોગમાં લઇ શકશે. બીજી બાજુએ સ્ટારલિંક માટે ભારતમાં વિસ્તરણ સરળ થઈ જશે. એરટેલના વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનો ફાયદો પણ સ્ટારલિંકને મળશે. એલન મસ્કની સ્ટારલિંક વિશ્વમાં ઘણી લોકપ્રિય છે. તે પરંપરાગત ઓપ્ટિકલ ફાઇબરથી અલગ છે. તેનું કારણ ઇન્ટરનેટ ત્યાં સેટેલાઇટ દ્વારા મળે છે. આ માટે છત પર કંપનીનું એન્ટેના લગાવવાનું હોય છે, જે સ્ટારલિંક સેટેલાઇટ સાથે કનેક્ટ હોય છે. સ્ટારલિંકના સેટેલાઇટ બીજા સેટેલાઇટની તુલનાએ ઘણા નીચે હોય છે. તેના કારણે કનેક્ટિવિટી ફાસ્ટ રહે છે. વિમાનમાં પણ સ્ટારલિંકનું ઇન્ટરનેટ ઘણું સ્પીડમાં ચાલે છે.
એરટેલના મેનેજિંગ ડાયરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ મિત્તલે જણાવ્યું હતું કે ભારતમાં નેકસ્ટ જનરેશન સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્પેસેક્સની સાથેનો કરાર એક સીમાચિન્હરુપ છે. તેના લીધે અંતરિયાળ વિસ્તારોમાં પણ વિશ્વસ્તરીય હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે. સ્પેસેક્સના પ્રમુખ ગ્વેઇન શોટવેલે જણાવ્યું હતું કે ભારતના લોકોમાં સ્ટારલિંક પરિવર્તનકારી ફેરફાર લાવશે. સ્ટારલિંક વિશ્વભરના ઓર્ગેનાઇઝેશન અને કારોબારોને પણ કનેક્ટ કરી રહ્યું છે.
સ્ટારલિંકના લીધે સૌથી વધુ ફાયદો અંતરિયાળ વિસ્તારોને થશે, જ્યાં ફાઇબર ઓપ્ટિક્સ પહોંચતા નથી. હવે સ્ટારલિંક ભારતમાં કયા પ્રકારની સર્વિસ લાવશે તે જોવાનું રહેશે. તેમા પોર્ટેબલ પ્લાન્સ પણ છે. ગાડીની છત પર સ્ટારલિંકનું એન્ટેના લગાવી લો તો કારમાં પણ ઇન્ટરનેટ ચલાવી શકાશે.
આ પણ વાંચોઃ હવે ડબલ ટેક્સ ભરવો પડશે! ટ્રમ્પ આ દેશમાંથી 25% નહીં પણ 50% ડ્યૂટી વસૂલશે