અદાણી આરોગ્ય સેવા ક્ષેત્ર એન્ટ્રી મારવાનાં મુડમાં, કરી રહ્યા છે આવી તૈયારી
વિશ્વનાં પાંચમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી આરોગ્ય સેવા ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અદાણી આ ક્ષેત્રમાં પગ જમાવવા માટે મોટી હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક ચેન અને ઑફલાઇન અને ડિજિટલ ફાર્મસીઓ હસ્તગત કરી શકે છે. અદાણી ગ્રૂપ, જે એરપોર્ટથી દરિયાઈ બંદરો સુધીનાં વ્યાવસાયોનું સંચાલન કરે છે. તાજેતરમાં આરોગ્યસંભાળ વ્યવસાય માટે જૂથની યોજનાઓની રૂપરેખા આપવા માટે ઘણી વિદેશી બેંકો અને વૈશ્વિક ખાનગી ઇક્વિટી રોકાણકારોને મળ્યા હતા.
કેટલીક કંપનીઓ સાથે ચાલી રહેલી વાટાઘાટો
સૂત્રોએ જણાવ્યું હતું કે, “ગૌતમ અદાણી ભારતીય બજાર માટે સંયુક્ત ઉદ્યોગ અથવા જોડાણ માટે હેલ્થકેર ક્ષેત્રની વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને આ મામલે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.” કંપની પણ રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે 4 અબજ ડોલરનું ભંડોળ ઉપયોગમાં લેવામાં આવશે, જો કે કંપની દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અન્ય એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, “અદાણીએ હેલ્થકેરને એક વિશાળ તક તરીકે ઓળખી છે અને તે આને મજબૂત કરવા આતુર છે, જે વિવિધ કારણોસર પડકારોનો સામનો કરી રહી છે.”
આપને જણાવી દઈએ કે સરકારે આરોગ્ય સેવા ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે અનેક નીતિગત પહેલની જાહેરાત કરી છે, જેમાં પ્રોડક્ટ-લિંક્ડ ઈન્સેન્ટિવનો સમાવેશ થાય છે. ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ ચાલી રહી છે. હોમ હેલ્થકેર સેક્ટર, ખાસ કરીને ઓનલાઈન ફાર્મસી સેક્ટરમાં છેલ્લા બે વર્ષમાં મર્જર અને એક્વિઝિશનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.