દેશમાં ચાલી રહેલા વીજ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. ખાસ વાત એ છે કે, ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વીજળીની માંગમાં રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં કોલસાની અછતના સમાચાર ચિંતા વધારી રહ્યા છે. તાજેતરમાં, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે દાવો કર્યો હતો કે દેશમાં કોલસાની ગંભીર અછત છે.
બેઠકમાં ઉર્જા મંત્રી આરકે સિંહ, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર છે. ગૃહમંત્રીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે આ બેઠક એવા સમયે બોલાવી છે જ્યારે ઘણા રાજ્યો હીટવેવ વચ્ચે વીજ કાપનો સામનો કરી રહ્યા છે. દેશમાં પ્રવર્તમાન કટોકટી પર, દિલ્હી સરકારનાં મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે, “પર્યાપ્ત રેલ્વે રેકની ઉપલબ્ધતા ન હોવાને કારણે કોલસાની ગંભીર અછત છે અને જો પાવર પ્લાન્ટ બંધ થાય છે, તો વીજળીના સપ્લાયમાં મુશ્કેલી આવી શકે છે.” આંકડા દર્શાવે છે કે વીજળીની માંગ 13.2 ટકા વધીને 135 અબજ kWh થઈ ગઈ છે. ઉત્તર ભારતમાં વીજળીની જરૂરિયાત 16 ટકાથી 75 ટકાની વચ્ચે વધી છે.