અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં શિક્ષણ જગતની કલંકરૂપ ઘટના: સગીર સાથે સહ વિદ્યાર્થીઓએ આચર્યું દુષ્કૃત્ય

અમદાવાદ: 11 માર્ચ: 2025: ધંધુકા જિલ્લાના એક શાળાના છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય વ્યવહાર કરાયો હોવાની ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. પાંચ સગીર વિદ્યાર્થીઓની ધોરણ 9 ના વિદ્યાર્થી પર શારીરિક અને જાતીય હુમલો કરવાના આરોપ બાદ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાધ ધરી છે. આરોપીની ઉંમર ૧૬ થી ૧૮ વર્ષની વચ્ચે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામના છાત્રાલયમાં રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જાતીય સતામણી સહિત માનસિક ઉત્પિડન કરવામાં આવતું હતું. જાતીય શોષણ અને અત્યાચારનો વીડિયો ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે. આ કેસમાં પોલીસે પાંચ સગીરો સામે કેસ નોંધ્યો છે. પોલીસની ટીમે જ્યાં ઘટના બની હતી તે છાત્રાલયની મુલાકાત લઈ સંચાલક, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે.

પોલીસને ઇન્ટરનેટ મીડિયા પર ફરતો એક વીડિયો મળ્યો છે. આમાં પાંચ શાળાના વિદ્યાર્થીઓ એક જુનિયર વિદ્યાર્થીને હોસ્ટેલમાં લઈ જઈને તેનું જાતીય શોષણ કરતા અને વીડિયો બનાવતા જોવા મળે છે. પોલીસે પોતે પીડિતાના પરિવારને આ અંગે જાણ કરી. આ પછી, પરિવારે આ મામલે કાનૂની કાર્યવાહીની માંગ કરી. પોલીસે આ મામલે શાળા પ્રશાસનની પણ પૂછપરછ કરી છે અને રિપોર્ટ માંગ્યો છે. પોલીસને શંકા છે કે આવી ઘટના હોસ્ટેલમાં પહેલા પણ બની હશે.

પીડિત સાથે અમાનવીય કૃત્ય કરનાર તમામ પાંચ સગીર વિદ્યાર્થીને હાલ છાત્રાલયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.છાત્રાલયના સંચાલકનું કહેવું છે કે તે સમગ્ર મામલે અજાણ છે. અને જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તે તમામનો પ્રવેશ રદ કરી દેવાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે, રાત્રે આ ઘટના બની ત્યારે છાત્રાલયમાં કોઈ વોર્ડન હાજર જ ન હતા. વધુમાં છાત્રાલયમાં સિક્યોરિટી ગાર્ડ હોય છે પરંતુ ઘટના સમયે તે હાજર ન હતા. કેટલાક લોકોનો દાવો છે કે છાત્રાલયમાં સીસીટીવી છે, પરંતુ તેના વીડિયો ડીલિટ કરી દેવાયા છે. બાળ કલ્યાણ સમિતિ દ્વારા પીડિતાને મદદ અને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. તેમને વળતર આપવા માટે કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો..80 વર્ષના વૃદ્ધ પિતાને કરવા હતા બીજા લગ્ન, પુત્રએ ના પાડતા ગોળી ધરબી પતાવી દીધો, જાણો ક્યાંની છે ઘટના

Back to top button