ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકા જગત મંદિરનાં સમયમાં ફેરફાર


દ્વારકા, તા. 8 માર્ચ, 2025: પુષ્ટિ સંપ્રદાયમાં હોળીનું ખૂબ મહત્ત્વ છે. આ તહેવારને ફૂલડોલના નામની ઉજવવામાં આવે છે. હોળીના પર્વ નિમિતે દ્વારકા જગત મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે. ફૂલડોલ ઉત્સવની ઉજવણીની પૂર્વ તૈયારીઓનાં ભાગરૂપે મહત્વપૂર્ણ બેઠક કલેકટર, જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં જિલ્લાનાં તમામ વહીવટી તંત્ર સાથે યોજાઇ હતી. ફૂલડોલ ઉત્સવને લઈ જગત મંદિરનાં સમયમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીને ધ્યાને લઈને દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 14મી માર્ચનાં રોજ હોળીનાં દિવસે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે. હોળીનાં દિવસે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે. ત્યારબાદ બપોરે એક વાગ્યે અનોસર એટલે કે મંદિર બંધ કરવામાં આવશે. તેમજ બપોરે 1:30 વાગ્યે ઉત્સવ આરતી કરવામાં આવશે. ફુલડોલ ઉત્સવ દર્શન 1:30થી 3 વાગ્યા સુધી ઉજવાશે. તેમજ બપોરે 3થી 5 વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે.
દ્વારકા જગત મંદિર ખાતે આગામી હોળીના પર્વ નિમિતે ફુલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષ સ્થાને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા વહીવટી તંત્ર ઉપસ્થતિ રહ્યું હતું. ફાગણી પૂનમ પર દ્વારકાધીશનાં દર્શન માટે આવતા યાત્રિકોની સુરક્ષા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય અને સલામતીની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.
દ્વારકામાં હોળી પર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં જામનગર ડિવિઝન દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. જેને પગલે 11 માર્ચથી 15 માર્ચ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રૂટો પર 11મી તારીખથી બુકિંગ કરી શકાશે અને આ માટે 5 ડેપોની બસો દોડાવવામાં આવશે.
આ પણ વાંચોઃ EDએ આ જાણીતા ઉદ્યોગપતિનું 14 કરોડનું જેટ કર્યું જપ્ત, જાણો શું છે મામલો