ભુજ સહિત કચ્છના મોટાભાગના મથકો 40 ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન


અમદાવાદ, તા.8 માર્ચ, 2025: ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હોળી મહાપર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ વચ્ચે સમગ્ર રાજ્ય સહિત રણપ્રદેશ કચ્છમાં ગરમીનું મોજું ફરી વળતાં જનજીવન તોબા પોકારી ઊઠ્યું છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ઉષ્ણતામાનનો પારો 40 થી 42 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે એ વચ્ચે રણપ્રદેશ કચ્છમાં ધાબડીયાં આકાશ વચ્ચે બપોરે લૂ સાથે રાત્રે પણ ઉકળાટનો દોર યથાવત્ રહેતાં લોકો આકરી ગરમી અનુભવી રહ્યા છે. ભુજમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચતા જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું અને રાજ્યના સૌથી ગરમ મથકોમાં પોતાનું અગ્રક્રમે સ્થાન જાળવી રાખ્યું હતું.
ત્રણ-ચાર દિવસ અગાઉ 6.4 લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો અનુભવી ચૂકેલા અબડાસાના મુખ્ય મથક નલિયામાં આજે 36 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બળબળતા તાપની આણ થોડી નરમ પડેલી જોવા મળી હતી. બીજી તરફ રણકાંધીના રાપર અને ખાવડામાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.કચ્છનું લઘુતમ તાપમાન ઊંચા ભેજ સાથે 29 ડિગ્રી જેટલું ઊંચું રહેતાં મોડી રાત્રિના પણ ઉકળાટ અનુભવાઈ રહ્યો છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) March 8, 2025
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીના વધારાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. હીટવવેવ વોર્નિંગની વાત કરીએ તો આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવની વોર્નિંગ છે. રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસ હીટવેવની વોર્નિંગ છે. અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી છે. તાપમાનનો પારો ઉંચકાતા અકળામણની સ્થિતિ જોવા મળશે. રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવનારા પાંચ દિવસોની વાત કરીએ તો મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે. સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ 3થી 5 ડિગ્રી વધારાનો અનુમાન છે.
આ પણ વાંચોઃ Video: હીરા બા અને પીએમ મોદીની તસવીર લઈને ઉભેલા યુવકે શું કહ્યું?