ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલવીડિયો સ્ટોરી

Video: હીરા બા અને પીએમ મોદીની તસવીર લઈને ઉભેલા યુવકે શું કહ્યું?

Text To Speech

સુરત, તા.8 માર્ચ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. શુક્રવારે તેમણે સુરતમાં રોડ શો કરીને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે એક યુવકે પીએમ મોદી સહિત તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. યુવક રોડ શો વખતે હાથમાં વડાપ્રધાન મોદી અને તેમના દિવંગત માતા હીરા બાની તસવીર લઈને ઉભો હતો. પીએમ મોદી નજીક આવતાં જ તેમને જોઈ તે ભાવુક થઈ ગયો હતો અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. આ વીડિયો વાયરલ થયો છે.

પીએમ મોદીની નજર જ્યારે તેના પર પડી ત્યારે તેમણે કાફલો થોભાવ્યો અને યુવકે તેના હાથમાં પકડેલું સ્કેચ મંગાવ્યું હતું. જે બાદ તેનું નામ પૂછીને હસ્તાક્ષર કરીને પરત આપ્યું હતું. યુવકે હાથ જોડીને તેમનો આભાર માન્યો હતો અને ચરણ સ્પર્શ કરતો હોય તેમ અભિવાદન કર્યું હતું.

આ તસવીર બનાવનારા યુવકનું નામ ઓમ ચૌધરી છે. આ અંગે જાણકારી આપતાં તેણે કહ્યું, આ બે વર્ષ જૂની તસવીર છે. આ તસવીર બનાવવા પાછળનો ઉદ્દેશ જણાવતાં તેણે કહ્યું, આજે મોદી જ્યાં પણ પહોંચ્યા છે ત્યાં તેમની માતાનું પણ યોગદાન છે. આ કારણે તેણે આ તસવીર બનાવી હતી.

ઓમે જણાવ્યું, અત્યાર સુધી મેં તેમને માત્ર ટીવી પર જ જોયા હતા. મેં પીએમ મોદીને આટલી નજીકથી ક્યારેય જોયા નહોતા. તેમને જોતાની સાથે જ મારી આસપાસની દરેક વસ્તુ ઝાંખી થવા લાગી, અને હું ગભરાઈ ગયો. અચાનક, મારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. જ્યારે તેઓ મારી નજીક આવ્યા ત્યારે મને રડતો જોઈને તેમણે ગાડી થોભાવી હતી અને એસપીજી કમાન્ડો દ્વારા મારું નામ પૂછ્યું. બાદમાં તેમણે મારા પેઈન્ટિંગ પર લખ્યું- પ્રિય ઓમ, અભિનંદન. જે બાદ હું ખૂબ ખુશ થઈ ગયો. આ પેઇન્ટિંગ મારા માટે અમૂલ્ય છે અને હું તેને મારા ઘરમાં હંમેશા પ્રદર્શિત રાખીશ.

આ પેઈન્ટિંગ કેટલું કિંમતી છે તે હું ન જણાવી શકું. પીએમના કાર્યક્રમ સ્થળે જતા પહેલાં મેં માત્ર મારી માતાને જ કહ્યું હતું કે હું ફોટો લઈને જાવ છું.


આ પણ વાંચોઃ ગુજરાતમાં 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલી, આ રહ્યું લિસ્ટ

Back to top button