અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાત

વડાપ્રધાનના હસ્તે રાજ્યની સ્વસહાય જૂથોની ૨.૫ લાખ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નવસારીના વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી

નવસારી, 8 માર્ચ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન’માં જણાવ્યું કે, પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે.

તેમણે લખપતિ દીદીઓને સન્માનિત કરતાં કહ્યુ કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે, પરિણામે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી’ઓના સન્માન સાથે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણીમાં સહભાગી થયા હતા. વડાપ્રધાનના હસ્તે રાજ્યના ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરી હતી.

લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનએ લોન્ચિંગ પણ કર્યું હતું.

વડાપ્રધાને આ સમારોહ માટેના સભા મંડપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આયોજિત ૩૩ જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાના વિશેષ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી.

વડાપ્રધાનએ ગર્વથી કહ્યું કે, મારી જિંદગીના ખાતામાં દેશની કરોડો માતૃશક્તિના આશીર્વાદ જમા થયા છે. કૃપા અને આશીર્વાદથી વિશ્વનો સૌથી વધુ ધનિક હોવાની લાગણી થઈ રહી છે. માતા-બહેનોના આ આશીર્વાદની જમાપૂંજી સતત વધી રહી છે, તેમના આશીર્વાદ મારી સંપત્તિ અને સુરક્ષા કવચ બન્યું છે.

ગુજરાતમાં ૧.૫૦ લાખ લખપતિ દીદી છે અને ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની ૧૦ લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન છેડ્યું છે તે બદલ વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નારીશક્તિના સામર્થ્ય આધારિત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. વડાપ્રધાનએ ‘સૌના સાથ, સૌના વિકાસ’નો જે મંત્ર આપ્યો છે, તેમાં નારીશક્તિના વિકાસને તેમણે હંમેશા પ્રાથમિકતા આપી છે તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ સૌ માતાઓ-બહેનોને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાનની પ્રેરણાથી આયોજિત લખપતિ દીદી સંમેલન કાર્યક્રમને માતા-બહેનોની મહેનત અને સમર્પણના સન્માનનો અવસર છે.

આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાનએ બહેનો પ્રત્યેનું કમિટમેન્ટ પૂર્ણ કર્યું છે. મહિલાઓના વિચારમાં અને સપનામાં દુનિયાને આંબવાની શક્તિ છે. કેન્દ્રીય મંત્રીએ વિશ્વને મહિલા સશક્તીકરણનું ઉદાહરણ આપતા વધુમાં કહ્યું કે, આજે અહીં એક લાખથી વધુ મહિલાની સુરક્ષાની જવાબદારી મહિલા પોલીસને સોંપવામાં આવી એ વડાપ્રધાનનો મહિલા પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. અહીં ઉપસ્થિત દરેક મહિલાઓએ પોત પોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું છે જેની પાછળનું પીઠબળ વડાપ્રધાન છે એમ જણાવી મહિલા દિવસની સૌને શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, આદિજાતી વિકાસ, રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, સાંસદ સર્વ ધવલ પટેલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ આર.સી.પટેલ, નરેશ પટેલ સહિત પદાધિકારીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ, વિશાળ સંખ્યામાં લખપતિ દીદીઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ વુમન્સ ડે ઉપર દિલ્હીની મહિલાઓને CM રેખા ગુપ્તાની ભેટ, દર મહિને મળશે રૂ.2500

Back to top button