ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ST વિભાગની મોટી જાહેરાત: ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં વધારાની 1200 જેટલી બસો દોડાવશે, મુસાફરોને અગવડ પડશે નહીં

ગાંધીનગર, 08 માર્ચ 2025: રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે. રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. જેથી, નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ ૧૦ માર્ચ ૨૦૨૫ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા ૧૦૦૦ જેટલી બસો દ્વારા ૬૫૦૦ થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે ૪૦૦ બસો દ્વારા ૩૦૦૦ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સબંધિત પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

આ પણ વાંચો: International Women’s Day: ભારતના એવા રાજ્યો જ્યાં ચાલે છે મહિલાઓનું શાસન,પરણીને દીકરી નહીં દીકરો સાસરિયે જાય, ઘરના બધા કામ પણ કરે

Back to top button