ગુજરાત : બોરસદ APMCમાં 60 વર્ષ બાદ કોંગ્રેસના શાસનનો અંત


- 6 દાયકા બાદ પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા
- યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન પદે યોગેશ પટેલ
- અંતે પક્ષના નિર્ણયને તમામ સભ્યોએ આવકાર્યો
વર્ષ 1958માં બોરસદ એપીએમસીની સ્થાપના થઈ ત્યારથી અત્યાસસુધી એટલે કે 6 દાયકા બાદ પ્રથમ વખત ભાજપ પ્રેરિત ઉમેદવાર ચેરમેન બન્યા છે અને યાર્ડમાં કોંગ્રેસના એકહથ્થું શાસનનો અંત આવ્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અશોક મહિડા અને વાઈસ ચેરમેન તરીકે યોગેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
દરખાસ્તને પ્રતાપસિંહ સોલંકી કઠાણા તરફથી ટેકો આપવામાં આવ્યો હતો
ચેરમેન પદ ક્ષત્રિય સમાજને અને વાઈસ ચેરમેન પદ પટેલ સમાજને આપી ભાજપે જ્ઞાતિગત સમિકરણો ગોઠવ્યા છે. બોરસદ એપીએમસીમાં નિયુક્ત ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચેરમેન પદ માટે અશોક મહિડાના નામની દરખાસ્ત હિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે દરખાસ્તને ઈલેશ પટેલ ભાદરણ તરફથી ટેકો આપવામાં આવ્યો હતો. જ્યારે વાઈસ ચેરમેન માટે યોગેશ પટેલ ઉમલાવના નામની દરખાસ્ત હરમાન ઠાકોર નાપાવાળાએ કરી હતી. આ દરખાસ્તને પ્રતાપસિંહ સોલંકી કઠાણા તરફથી ટેકો આપવામાં આવ્યો હતો. બંને પદ માટે ભાજપના મેન્ડેટની પ્રક્રિયા દ્વારા નામની જાહેરાતને તમામ ચૂંટાયેલા સભ્યોએ સમર્થન આપતા બિનહરીફ વરણી કરાઈ હતી.
અંતે પક્ષના નિર્ણયને તમામ સભ્યોએ આવકાર્યો
ભાજપે ચેરમેન પદ ક્ષત્રિય અને વાઈસ ચેરમેન પદ પટેલ જ્ઞાતિને ફાળવીને બંને જ્ઞાતિને સાચવી લીધી હોવાનું જાણવા મળે છે. બોરસદ એપીએમસીમાં છેલ્લા બે વર્ષથી ગ્રામ્યસ્તર સુધી કામગીરી કરનારા હિતેશ પટેલનું નામ હાંસિયામાં મૂકાતા સૌએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પરંતુ અંતે પક્ષના નિર્ણયને તમામ સભ્યોએ આવકાર્યો હતો.