ભણવા મુદ્દે માતાએ ઠપકો આપતા 7માં ધોરણના વિદ્યાર્થીએ ગળામાં પટ્ટો બાંધી ખાઈ લીધો ગળાફાંસો


વડોદરા, તા.6 માર્ચ, 2025: આજકાલ માતા-પિતા થોડું બોલે તો બાળકોમાં આપઘાત કરી લેતા હોય છે. આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પણ આવો કેસ સામે આવ્યો છે. અહી CBSE ધોરણ 7માં અભ્યાસ કરતાં 13 વર્ષના વિદ્યાર્થીને તેની માતાએ અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. જેને લઈ લાગી આવતાં પટ્ટાથી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં પરીક્ષા ચાલતી હોય પરિવારનાં સભ્યો દ્વારા વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવતા તે બાબતનું ખોટું લાગી આવતા સગીરે આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ અંગે વડોદરા મંજુસર પોલીસ મથકમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વેમાલી ખાતે આવેલી શ્રવણ એકન્લેવમાં અરુણભાઈ વસંતરાવ ગુંડેકરનો 13 વર્ષીય મોટો પુત્ર સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. હાલ તેની પરીક્ષાઓ ચાલી રહી હોય અંગ્રેજી વિષયનાં પેપર અંગે બાળકની માતાએ ઠપકો આપ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીએ તેના બેડરૂમમાં જઈને પટ્ટાથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મૃતક વિદ્યાર્થી CBSCમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મૃતકનાં પિતા અરુણભાઈ મંજુસર GIDCની એક કંપનીમાં નોકરી કરે છે. વિદ્યાર્થીની આપઘાતની ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનાં મૃતદેહનાં પોસ્ટમોર્ટમની ધોરણસરની કામગીરી હાથ ધરી હતી. તે ઉપરાંત મંજુસર પોલીસ સ્ટેશને આ અંગે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
માતા પિતા દ્વારા બાળકોને ઠપકો આપવામાં આવતા આત્મહત્યા કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. પરંતુ પહેલા પણ આવા ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. મુંબઈમાં 15 વર્ષની વિદ્યાર્થિનીને તેની માતાએ ભણવામાં ધ્યાન આપવા અને મોબાઇળ ફોન ઓછો વાપરવાનું કહેતા લાગી આવ્યું હતું. જેને લઈ ડોંબિવલીમાં માનકોલી પુલથી ખાડીમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચોઃ Video: શમીએ રોઝા ન રાખતાં મૌલવી થયો લાલઘૂમ, કહી આ વાત