તો આ સંજોગોમાં બેન્કોનો નફો 12000 કરોડ ઘટી શકે છે!

નવી દિલ્હી, 6 માર્ચઃ બેન્કો દ્વારા અપાતી વીમા ગેરંટીથી રૂપિયા 5 લાખથી વધુની થાપણો પર બેન્કોનો નફો 12000 કરોડ ઘટી શકે છે તેવો એક ચોંકાવનારો અહેવાલ રેટિંગ એજન્સી ઇકરા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું હતું કે, હાલમાં બેંક ફડચામાં જવાના કિસ્સામાં, 5 લાખ રૂપિયા સુધીની થાપણો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા આવરી લેવામાં આવે છે. સરકાર આ મર્યાદા વધારવાનું વિચારી રહી છે.
ઈકરાએ કહ્યું કે, ન્યૂ ઈન્ડિયા કોઓપરેટિવ બેંકની તાજેતરની નિષ્ફળતાને કારણે વીમા મર્યાદા વધારવાનો વિચાર આવ્યો હોઈ શકે છે. પરંતુ, આવા પગલાથી બેંકોના નફામાં રૂ. 12,000 કરોડનો ઘટાડો થઈ શકે છે. અગાઉ પંજાબ અને મહારાષ્ટ્ર બેંકમાં આવેલા સંકટ બાદ, ફેબ્રુઆરી 2020માં આ મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. માર્ચ 2024 સુધીમાં, 97.8 ટકા બેંક ખાતા સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા હતા. થાપણ મૂલ્યના સંદર્ભમાં, 31 માર્ચ, 2024 ના રોજ વીમાકૃત ડિપોઝિટ રેશિયો (IDR) 43.1 ટકા હતો.
બેંકોમાં વીમા હેઠળ નાણાં સુરક્ષિત રહે છે.
ભારતીય બેંકોમાં તમામ થાપણો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) હેઠળ ગ્રાહક દીઠ રૂ. 5 લાખ સુધી આવરી લેવામાં આવે છે અને તમને તે જ રકમ મળે છે. ભલે ડિપોઝીટ 10 લાખ, અથવા 20 લાખ અથવા એક કરોડ હોય. જો કોઈની ડિપોઝીટ 1 લાખ રૂપિયા છે તો તેને સંપૂર્ણ 1 લાખ રૂપિયા મળશે. જો તમે 5 લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો તમને 5 લાખ રૂપિયા મળશે. જો તેનાથી વધુ ડિપોઝિટ હશે તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયા જ મળશે. જો કે, જો તમારી થાપણો ઘણી બેંકોમાં છે અને બધી બેંકો ફડચામાં જાય છે, તો દરેક બેંક 5 લાખ રૂપિયા આપશે. પરંતુ જો એક જ બેંકમાં એકથી વધુ ખાતા હોય તો કુલ રકમ માત્ર 5 લાખ રૂપિયા હશે. જારી કરાયેલી વર્તમાન સૂચનાઓ મુજબ, થાપણદારોએ રકમ મેળવવા માટે છ મહિના રાહ જોવી પડશે.
તમે DICGC વેબસાઇટ પર સંપૂર્ણ વિગતો જોઈ શકો છો
વધુ માહિતી માટે થાપણદારો બેંક અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. DICGC વેબસાઈટ www.dicgc.org.in પર પણ વિગતો જોઈ શકાશે. જ્યારે તમે પૈસા ઉપાડવા માંગો છો, ત્યારે બેંક તેની ચકાસણી કરે છે. જો બધું યોગ્ય જણાય તો રકમ પરત કરવામાં આવે છે. જ્યારે બેંકની નાણાકીય સ્થિતિ સારી ન હોય અથવા બેંક મેનેજમેન્ટ કોઈ કૌભાંડ કરી રહ્યું હોય તેવા કિસ્સામાં આરબીઆઈ કોઈપણ બેંક પર નિયંત્રણો લાદે છે. ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાં કૌભાંડ થયું હતું. આની જાણ થતાં, મધ્યસ્થ બેંકે તરત જ સમગ્ર બેંકની વહીવટી સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી અને એસબીઆઈના ભૂતપૂર્વ અધિકારીને હવાલો સોંપ્યો હતો.
મોટી અને જાણીતી બેંકોમાં ખાતું ખોલો
આપણા દેશમાં નાની ધિરાણ મંડળીઓ અને સહકારી બેંકોમાં ગવર્નન્સનું બહુ ઓછું પાલન થાય છે. આનો ફાયદો ઉઠાવીને આવી સંસ્થાઓ તેમના લોકોને અથવા એવી કંપનીઓને વધુ લોન આપે છે જે આ રકમ પરત કરી શકતી નથી. બાદમાં આ રકમ NPA બની જાય છે અને બેંકની આર્થિક સ્થિતિ કફોડી બની જાય છે. આવી સ્થિતિમાં, ખાતા હંમેશા સરકારી અથવા જાણીતી ખાનગી ક્ષેત્રની મોટી બેંકોમાં જ ખોલવા જોઈએ. આ બેંકોનું ગવર્નન્સ અને નિયમો અને શરતો ખૂબ જ કડક છે. સારા બોર્ડ અને મેનેજમેન્ટને કારણે આ બેંકોમાં અનિયમિતતાની શક્યતા ઘણી ઓછી છે. આનાથી તમારા નાણાં પૈસા સુરક્ષિત રહે છે.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છતા શેરબજારમાં તેજી કેમ, આ છે મોટા કારણો
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD