કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

થાનમાં મગફળીના ગોદામમાં લાગી ભીષણ આગ, 50 હજાર કિલોથી વધુ મગફળી ખાખ

Text To Speech

સુરેન્દ્રનગર, 6 માર્ચ: 2025: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોદામમાં ભીષણ આગ લાગી હતી. માહિતી મુજબ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરીને FCIના વેરહાઉસમાં રાખવામાં આવી હતી. આ આગમાં 50,000 કિલોથી વધુ મગફળી બળીને રાખ થઈ ગઈ હતી. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામમાં આવેલા સરકારી ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવી હતી, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટના બાદ લોકોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા છે. વિકરાળ આગને રોકવા માટે જેસીબીની મદદથી ગોડાઉનની દિવાલ અને બે શટરો તોડી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સતત બે કલાક સુધીની જહેમત બાદ મહદઅંશે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે, સવારનો સમય હોવાને કારણે ગોડાઉનમાં કોઈ મજૂર કે કર્મચારી હાજર નહોતાં, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ સરકારી ગોડાઉનમાં કુલ કેટલો જથ્થો હતો અને કેટલાનું નુકસાન છે, એ તો ગોડાઉન મેનેજર આવ્યા પછી જ ખબર પડી શકે છે.

આ પણ વાંચો..અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બાઈકને બસ ચાલકે કચડી નાખતા ગયો જીવ

Back to top button