ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫નો ગાંધીનગરમાં પ્રારંભ, થયા આટલા એમઓયુ

ગાંધીનગર, તા. 5 માર્ચ, 2025: ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૫ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનનો મહત્વપૂર્ણ હિસ્સો બનવા ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીઝનરી લીડરશીપમાં સજ્જ થઈ રહ્યુ છે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આધુનિક વિકાસના આ યુગમાં સેમિકન્ડક્ટર વગર કોઈપણ ઔદ્યોગિક વિકાસની કલ્પના કરવી અસંભવ છે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર સાથે સંલગ્ન અનેક સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ સાથે દેશમાં સેમિકન્ડક્ટર યુનિટ્સની સ્થાપના માટે પહેલી પસંદ બન્યું છે.
આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ, ૨૫૦થી વધુ એકઝીબિટર્સ સહભાગી થઈ રહ્યા છે. મુખ્યપ્રધાવ ભૂપેન્દ્ર પટેલની આ કોન્ફરન્સમાં પ્રેરક ઉપસ્થિતિમાં સેમિકન્ડક્ટર અને ફેબ ક્ષેત્રમાં રોકાણો માટેના ૮ એમ.ઓ.યુ., સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન કોમ્પેડીયમનું વિમોચન તેમજ ધોલેરા ખાતે નિર્માણ થનારી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનના ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે Silicon Gujarat: Powering India’s Semiconductor Revolution થીમ પર આયોજિત ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025’નો સેમિકન્ડક્ટરના ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ તથા દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ… pic.twitter.com/bOLs5sQdMb
— CMO Gujarat (@CMOGuj) March 5, 2025
મુખ્યપ્રધાને જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભારતની વૈશ્વિક સ્થિતિ દિવસે દિવસે મજબૂત થતી જાય છે.
ગુજરાતે ભારત સરકારની પેટ્રન પર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન કાર્યરત કરીને મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ વિકસાવવી છે તેમ કહી તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ડેડીકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨માં જ અમલી કરી દીધી છે. એટલું જ નહિ, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓ ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસીલીટીઝ સાથે દેશના પહેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી તરીકે તેનો વિકાસ શરૂ કર્યો છે.
ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ અંતર્ગત થયેલા MoU
આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયેલા એમ.ઓ.યુ.ની વિગતો
1) ગુજરાતમાં રૂ.૧૦૦૦ કરોડના રોકાણ દ્વારા નવા સિલિકોન ફોટોનિક્સ મેન્યુફેક્ચરીંગ એકમ સ્થાપવા માટે JABIL INDIA કંપની સાથે MoU કરવામાં આવ્યા. આ એકમ ખાતે એ.આઈ., ટેલિકોમ, આઈ.ઓ.ટી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી એવા ફોટોનિક્સ ટ્રાન્સરીસીવર્સ (ડેટા કમ્યુનિકેશન ડિવાઇસ)નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે. આ રોકાણ થકી ૧૫૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
2) રૂ.૯૧,૫૨૬ કરોડના કુલ રોકાણ દ્વારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકંડક્ટર ફેબ એકમને કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર નાણાકીય સહાય આપવા માટે ઈન્ડીયા સેમિકંડક્ટર મિશન (ISM) અને ટાટા ઈલેક્ટ્રોનિક્સ (TEPL) વચ્ચે કરાર (FSA) થયા.
3) ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને IIT ગાંધીનગર વચ્ચે MoU કરવામાં આવ્યા જે અંતર્ગત IIT ગાંધીનગર ખાતે સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્યવર્ધન માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવશે.
4) ટાટા ઈલેક્ટ્રોનિક્સ, તાઈવાનની કંપની PSMC અને તાઈવાનની ફેબલેસ સેમિકન્ડક્ટર ઉત્પાદક કંપની હાઈમેક્સ ટેકનોલોજીસ વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા. ધોલેરા ખાતે PSMCની મદદથી ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવનાર સેમિકંડક્ટર ચીપના ઉત્પાદન માટે આ કરાર ખૂબજ મહત્વપૂર્ણ સાબિત થશે.
5) સાણંદ ખાતે કેયન્સ ટેકનોલોજીના નવા સેમિકન્ડક્ટર એકમનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આ સાથે જાહેરાત કરવામાં આવી કે આ કેયન્સના સાણંદ ખાતેના આ સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટ પર પાયલોટ મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જૂન ૨૦૨૫ અને મુખ્ય મેન્યુફેક્ચરીંગ લાઇન દ્વારા જાન્યુઆરી ૨૦૨૬માં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્સ દ્વારા અમેરીકાની સેમિકન્ડક્ટર ચીપ ડિઝાઇનર, ડેવલપર અને પાવર સેમિકન્ડક્ટર્સની વિશાળ શ્રેણીની વૈશ્વિક સપ્લાયર એવી આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટર લિમિટેડ (AOS) સાથે મલ્ટી-યર-મલ્ટી-મિલયન-ડોલરના POWER MOSFETs, IGBTs અને IPMs જેવા સેમિકંડક્ટર ચીપ ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરાર કરવામાં આવ્યા. આ ઉપરાંત કેન્સ કંપની દ્વારા તેના ટેકનોલોજી પાર્ટનર, ઉત્પાદક સાધન પાર્ટનર અને સપ્લાય ચેન પાર્ટનર સાથે કરારોની જાહેરાત કરવામાં આવી. સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવા કૌશલ્ય નિર્માણ માટે ૮ સંસ્થાઓ સાથેના સ્ટ્રેટર્જીક સહયોગ માટેના કરારની જાહેરાત કરવામાં આવી.
6) ગુજરાતમાં રૂ.૫૦૦ કરોડથી વધુના રોકાણ દ્વારા નવા ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ સર્વિસ (EMS) એકમ સ્થાપવા માટે તાઈવાનની તાઈવાન સરફેસ માઉન્ટીંગ ટેકનોલોજી (TSMT) કંપની સાથે MoU કરવામાં આવ્યા. આ રોકાણ થકી ૧૦૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે.
7) ગુજરાતમાં સાણંદ ખાતે આવેલી સેમિકંડક્ટર ક્ષેત્રની કંપની માઈક્રૉન ટેકનોલોજી સાથે પર્યાવરણ, સ્વાસ્થ્ય, સુરક્ષા, STEM શિક્ષણ અને કુશળ માનવબળના વિકાસ માટેના પ્રયત્નો માટે MOU કરવામાં આવ્યા. જેનો લાભ સાણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારને મળશે.
8) નેક્સ્ટજેને હિટાચી અને સોલિડલાઇટના ટેકનિકલ સહયોગથી ગુજરાતમાં કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ફેસિલિટી સ્થાપવાનો ઇરાદો વ્યક્ત કરતા રૂ.૧૦,૦૦૦ કરોડના એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા.
9) ધોલેરા સર ખાતે નિર્માણ પામનાર નવી હોસ્પિટલ, ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફાયર સ્ટેશનનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.
10) ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA) દ્વારા “સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સપ્લાય ચેઇન” રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું તેમજ “વિઝન ટુ રિયાલિટી” – મેઇક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ ઇનિશિએટીવનું પણ વિમોચન કરવામાં આવ્યું.