બાવળના જંગલમાં ફરી લાગી આગ: ભારે પવનને કારણે ફાયરબ્રિગેડ આગ ઓલવવામાં નિષ્ફળ


પોરબંદર, 5 માર્ચ: 2025: પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યાં છે. ફાયર બ્રિગેડનો કાફલો આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં છે.
ગુજરાતના પોરબંદરમાં બુધવારે (5 માર્ચ) છાયા વિસ્તારમાં બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં આગ લાગવાની ઘટના બની છે. આગ વધુ વિકરાળ બનતાં સુરક્ષાના ભાગ રૂપે બિરલા સ્કૂલમાંથી તમામ મહત્ત્વના દસ્તાવેજો બહાર કાઢી લેવાયા હતાં. આ સિવાય આસપાસમાં રહેતાં રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સિવાય તમામ ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢી દેવાયા છે. જોકે, તેજ પવનને કારણે આગને કાબૂમાં લેવાનું કાર્ય મુશ્કેલ બન્યું છે.
નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાના કારણ વિશે જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા 8 જેટલાં વોટર ટેન્કરથી આગ ઓલવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટના સ્થાનિક લોકોમાં ચિંતા અને ચર્ચાનું કારણ બની છે.
આ પણ વાંચો..IPS અને CBIના નામે વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ, રૂ. 23 લાખ ગુમાવ્યા