અનોખું આયોજન : પાલનપુરની સ્વસ્તિક શાળા દ્વારા સાયકલ તિરંગા યાત્રા યોજાઈ
પાલનપુર.ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. તેને ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ સાથે વિવિધ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો વચ્ચે રહે છે. તેથી જ ભારતને ‘વિવિધતામાં એકતા’નો દેશ કહેવામાં આવે છે.
ભારતનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન, ખૂબ જ વિશાળ અને ખૂબ ઊંડો છે. જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ, કલાત્મકતા, બહાદુરી અને ભાવનાથી ભરપૂર. જ્યારે ભારત ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું, ત્યારે 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો. હવે દેશ આત્મનિર્ભરતાના માર્ગે સતત આગળ વધી રહ્યો છે, તે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠ પર શરૂ થયેલ સ્વાતંત્ર્યનો અમૃત ઉત્સવ એ આત્મનિર્ભરતા તરફનું એક બીજું પગલું છે.
યાત્રામાં સુત્રોચ્ચાર કરી વાતાવરણને રાષ્ટ્ર ભકિતના રંગે રંગ્યું
ભારતના 75માં આઝાદીના અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે સૌ ભારતીય નાગરીકોમાં રાષ્ટ્રપ્રેમ જાગે તેમજ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીના ભાગરૂપે પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સાયકલ તિરંગા યાત્રાની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના વિવિધ વિભાગના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ- શિક્ષકો તથા મંડળના પદાધિકારીઓ હર્ષભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા તિરંગો લઇ વિવિધ નારા સાથે પાલનપુરના વિવિધ માર્ગો ઉપર સાયકલ તિરંગા યાત્રાનો રોડ શો યોજવામાં આવ્યો હતો.
સાયકલ તિરંગા યાત્રામાં જોડાયેલ તમામ યાત્રીઓ દ્વારા સૌ નાગરીકોમાં તિરંગાનું માન-સન્માન વધે તે માટે વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણને રાષ્ટ્ર ભકિતના રંગે રગી લીધું હતું.