દક્ષિણ ગુજરાત

ઘરેથી ભાગીને ડાન્સિંગ સ્ટાર બનવા માટે સુરતની ચાર કિશોરીઓ દિલ્હી જવા નીકળી પણ…

Text To Speech

સુરત : કોસાડ આવાસમાં રહેતી ચાર કિશોરીઓ શુક્રવારે સ્કુલમાંથી ગાયબ થઈ ગઈ હતી. પોલીસે શોધખોળ શરૂ કરતા આ ચારેય એક બસમાં બેસીને દિલ્લી જઈ રહી હોવાની જાણ થઈ હતી. દરમિયાન જે બસમાં તે બેસીને જતી હતી તેમાં પંક્ચર પડતા તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. તે સમયે ચારેય છોકરીઓ બસમાં હોવાની જાણ ડ્રાઈવરે તેના માલીકને કરી હતી. બસના માલીકે પોલીસને જાણ કરતા ચારેય કીશોરીઓને કરજણ પાસે થોભાવી ત્યાંથી પરત લાવવામાં આવી હતી.

ટીવી અને સોશિયલ મિડીયામાં બોલીવુડના ગ્લેમરને જોઈ અંજાઈ ગયેલા યુવાઓ કોઈપણ પગલું ભરતા પહેલા વિચારતા નથી. સુરતના કોસાડ આવાસ ખાતે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કોસાડ આવાસમાં આવેલ એક જ બિલ્ડિંગમાં રહેતી 12 વર્ષીય, 13 વર્ષીય અને 14 વર્ષીય આમ કુલ ચાર બેનપણીઓ અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ કરે છે. ગઈકાલે તેઓ ચારે પોતાના ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી હતી. પરંતુ સ્કૂલ છૂટ્યા પછી પણ પોતાના ઘરે પરત ગઈ ન હતી. દિકરીઓ ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ કરી હતી પરંતુ તેઓ નહીં મળતા પરિવારે અમરોલી પોલીસને જાણ કરી હતી. એક સાથે ચાર છોકરીઓ ગાયબ થતા તેમના પરિવારજનો અને પોલીસ પણ દોડતી થઈ હતી.

પોલીસે ત્વરિતે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી બસ સંચાલકોને આ અંગે માહિતી આપી સોશિયલ મિડીયામાં તેમના ફોટો અને વિગતો વાયરલ કરી હતી. દરમિયાન આ ચારેય લક્ઝરી બસમાં બેસીને ગઈ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે આ બસને કરજણ પાસે મહાદેવ હોટેલમાં રોકવા માટે કહ્યું હતું. આ દરમિયાન કરજણ અને પાલેજ પોલીસને જાણ કરતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા. અને અમરોલી પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી. બાળકીઓને હાલ સુરત લાવવામાં આવી છે અને તેમનું કાઉન્સીલિંગ ચાલી રહ્યું છે. આ ચારેય કિશોરીઓ સરદાર માર્કેટની સામેથી બસમાં દિલ્હી જવા માટે નીકળી હતી. આ ચારેય દિલ્લીમાં ડાન્સિંગ સ્ટાર બનવા માટે ઓડિશન આપવા માટે જઈ રહી હતી.

બસ પંક્ચર પડી અને છોકરીઓની જાણ થઈ

એક સાથે ચાર છોકરીઓ લાપતા થઈ જવાના પગલે અમરોલી પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસ ઇન્સપેક્ટર વીયુ ગડરીયાની સાથે ત્રણ પીએસઆઈ અને 40 પોલીસ કર્મીઓનો સ્ટાફ આ છોકરીઓની શોધખોળમાં લાગી પડ્યો હતો. દરમિયાન છોકરીઓ બસમાં ગયાની માહિતી મળતા બસ સંચાલકોએ તેમના ગ્રુપમાં આ માહિતી વાયરલ કરી હતી. ત્યારે દિલ્હી જતી જે બસમાં આ છોકરીઓ બેસેલી હતી તે બસ પંક્ચર પડી હતી. એટલે બસના તમામ મુસાફરોને નીચે ઉતારાયા હતા. ત્યારે ડ્રાઈવરે તેના મોબાઈલના મેસેજમાં દેખાયેલી છોકરીઓને તેની જ બસમાં હોવાનું માલીકને જાણ કરી હતી. જેતી બસ માલીકે કન્ફર્મ કરી પોલીસને જાણ કરતા ચારેય છોકરીઓ મળી આવી હતી.

આ પણ વાંચો : સુરતમાં 150 થી વધુ ડાયમંડ કંપનીઓના 40 હજાર થી વધુ રત્નકલાકારોની ત્રિરંગાયાત્રા

Back to top button