નીમ કરોલી બાબાના કૈંચી ધામ કેવી રીતે પહોંચશો? જાણો જવાનો સમય અને રૂટ

- બાબા નીમ કરોલી એક મહાન સંત અને આધ્યાત્મિક ગુરુ હતા, જેમણે 20મી સદીમાં પોતાના સારા વિચારો અને ચમત્કારોથી સામાન્ય લોકોની જિંદગી બદલી હતી
HD ન્યુઝ ડેસ્કઃ ઉત્તરાખંડના નૈનીતાલમાં ‘કૈંચી ધામ’ નામનું એક મુખ્ય ધાર્મિક તીર્થસ્થળ છે. આ સ્થળ નીમ કરોલી બાબાની ખ્યાતિ માટે પણ જાણીતું છે. બાબા નીમ કરોલી એક મહાન સંત અને આધ્યાત્મિક ગુરુ હતા, જેમણે 20મી સદીમાં પોતાના સારા વિચારો અને ચમત્કારોથી સામાન્ય લોકોની જિંદગી બદલી હતી. ઉત્તરાખંડની સુરમ્ય પહાડીઓ પર આવેલો નીમ કરોલી બાબાનો આશ્રમ ‘આંતરિક શાંતિ’ પ્રદાન કરે છે. ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓ પણ અહીં દર્શન માટે આવે છે. જો તમે પણ કૈંચી ધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો.
કૈંચી ધામ કેવી રીતે પહોંચવું?
‘કૈંચી ધામ’ ઉત્તરાખંડના નૈનિતાલ શહેરથી 17 કિમી દૂર આવેલું છે. તમે અહીં રોડ માર્ગે ખૂબ જ સરળતાથી પહોંચી શકો છો. દિલ્હીથી નૈનિતાલનું અંતર આશરે 324 કિલોમીટર છે. આ યાત્રા પૂર્ણ કરવામાં તમને લગભગ સાડા છ કલાક લાગશે. જો તમે હવાઈ માર્ગે નૈનિતાલ પહોંચવા માંગતા હો, તો કૈંચી ધામનું સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર એરપોર્ટ છે, જે 70 કિમી દૂર છે. અહીં પહોંચો અને અહીંથી ટેક્સી કે બસની મદદથી કૈંચી ધામ જઈ શકો છો. આ ઉપરાંત ટ્રેન દ્વારા કૈંચી ધામ પહોંચવા માટે પહેલા નજીકના રેલ્વે સ્ટેશન કાઠગોદામ પહોંચો. કૈંચી ધામ અહીંથી લગભગ 38 કિલોમીટરના અંતરે આવેલું છે.
નીમ કરોલી આશ્રમની મુલાકાત ક્યારે લેવી?
નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂનનો રહેશે. આ ઉપરાંત, સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો સમય પણ યોગ્ય છે. આ બંને સમય દરમિયાન અહીં હવામાન સારું હોય છે અને અહીંનું કુદરતી વાતાવરણ મુસાફરી માટે યોગ્ય હોય છે. જુલાઈ-ઓગસ્ટમાં અહીં મોનસુન હોય છે, તો જવાનું પ્લીઝ ટાળો
કૈંચી ધામની મુલાકાતનો ખર્ચ
દિલ્હીથી નૈનિતાલ બસ કે ટ્રેન દ્વારા મુસાફરી કરવા માટે તમારે ટિકિટ પર લગભગ 300થી 800 રૂપિયા ખર્ચ કરવા પડશે. આગળની મુસાફરી બસ અથવા ટેક્સી દ્વારા થશે, જેનો ચાર્જ સ્થાનિક રીતે લેવામાં આવશે. આ ઉપરાંત અહીં રોકાવા માટે શયનગૃહથી લઈને પર્સનલ રૂમ સુધી તમારે દરરોજ લગભગ 200 રૂપિયા ખર્ચવા પડશે.
કૈંચી ધામમાં શું કરવું?
કૈંચી ધામ ખાતે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લો અને અહીં હનુમાનજીના દર્શન પણ કરો. આ ઉપરાંત આશ્રમમાં થઈ રહેલા સત્સંગનો આનંદ માણો. અહીં એક પુસ્તકાલય પણ છે, જ્યાં તમે આધ્યાત્મિકતા અને ફિલસૂફી પરના પુસ્તકો વાંચી શકો છો. ઉપરાંત તમે આશ્રમની નજીકના જંગલની મુલાકાત લઈ શકો છો અને ટેકરીઓમાં ટ્રેકિંગ પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ પહેલી વાર ફેમિલી સાથે ફરવા જઈ રહ્યા છો? આ સાત વાતનો ખ્યાલ રાખો