બિટકોઈન સહિત પાંચ ક્રિપ્ટો કરન્સીને રિઝર્વમાં આવરી લેવાની જાહેરાત

ન્યુયોર્ક, 4 માર્ચઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ક્રિપ્ટો કરન્સી માટેનો પ્રેમ જાણીતો છે ત્યારે ક્રિપ્ટો કરન્સીના ખેલાડીઓ જેની લાંબા સમયથી રાહ જોતા હતા તેવુ મતલબનું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવ્યુ છે. જેના લીધે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટો માર્કેટમાં લાંબા સમય બાદ મોટો સુધારો જોવા મળ્યો હતો. બિટકોઈન, એકસઆરપી, સોલાના, કારડાનો અને એથરમને અમેરિકાના ક્રિપ્ટો સ્ટ્રેટેજિક રિઝર્વમાં સમાવી લેવાશે તેવી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ છેલ્લા ચોવીસ કલાકમાં ક્રિપ્ટો માર્કેટસમાં ક્રિપ્ટો કરન્સીસના ભાવમાં 10થી 60 ટકાનો જોરદાર ઉછાળ આવ્યો હતો. જ્યારે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ દસ ટકાથી વધુ વધી 95000 ડોલરને પાર કરી ગયો હતો.
કારડાનોમાં 60 ટકા વધી ઉપરમાં 1.16 ડોલર જોવાયો હતો. જ્યારે એકસઆરપી પર 35 ટકા વધી 2.99 ડોલર, સોલાના 18 ટકા વધી 169.88 ડોલર જોવાયો હોવાનું ક્રિપ્ટો એકસચેન્જ બિનાન્સના ડેટા જણાવે છે. બિટકોઈન ઉપરમાં 95136 ડોલર અને નીચામાં 85143 ડોલર થઈ મોડી સાંજે 91000 ડોલરની સપાટીએ કવોટ થતો હતો. એથરમનો ભાવ 2549 ડોલર થઈ મોડી સાંજે 2344 ડોલર કવોટ થતો હતો.
છેલ્લા કેટલાક વર્ષો બાદ અમેરિકાનું ક્રિપ્ટો રિઝર્વ આ ઉદ્યોગને ગતિ આપશે એમ ટ્રમ્પે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. ડિજિટલ એસેટસ પરના મારા એેક્ઝિકયૂટિવ ઓર્ડરમાં પ્રેસિડેન્સિઅલ વર્કિંગ ગુ્રપને ક્રિપ્ટો સ્ટ્રેટેજિક રિઝર્વ ઊભું કરવા નિર્દેશ અપાયો છે. હું ખાતરી રાખીશ કે, અમેરિકા વિશ્વનું ક્રિપ્ટો કેપિટલ બની રહે એમ ટ્રમ્પે તેના નિવેદનમાં જણાવ્યું હતું.
બિટકોઈન તથા એથરમ આ રિઝર્વના મુખ્ય અંશ હશે. બિટકોઈન તથા એથરમ માટે મને આકર્ષણ છે એમ તેમણે ઉમેર્યું હતું. ટ્રમ્પની જાહેરાત બાદ ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ વધી 3.08 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી.
ક્રિપ્ટો કરન્સીસને માન્યતા આપી અમેરિકન સરકાર ક્રિપ્ટોકરન્સીસને નાણાંકીય તથા આર્થિક માળખામાં જોડી રહી છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. જો કે અન્ય એક વિશ્લેષકે ક્રિપ્ટો રિઝર્વ અપેક્ષા કરતા ધીમી ગતિએ ઊભુ થશે તેવો મત વ્યકત કર્યો હતો.
રિઝર્વમાં ક્રિપ્ટોસના સમાવેશ સંબંધિત ટ્રમ્પનું નિવેદન ક્રિપ્ટો માર્કેટમાં એક પોઝિટિવ સ્થિતિ બનાવશે એમ અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે મળી રહેલી પ્રથમ વ્હાઈટ હાઉસ ક્રિપ્ટો સમિતમાં પણ ક્રિપ્ટો માર્કેટસ બાબતે પ્રકાશ પડાશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વર્ષો બાદ ચૂરા કે દિલ મેરા ગીત પર અક્ષય અને શિલ્પાએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો