ખેડૂતો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા પોલીસની મોટી કાર્યવાહી, કેટલાય ખેડૂત નેતાઓની ધરપકડ


ચંડીગઢ, 04 માર્ચ 2025: પંજાબની ભગવંત માન સરકારે 5 માર્ચના રોજ પ્રસ્તાવિત ખેડૂતોના ધરણા પહેલા ખેડૂત નેતાઓ પર મોટી એક્શન લીધી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, સંયુક્ત કિસાન મોર્ચા તરફથી 5 માર્ચના રોજ ચંડીગઢમાં થનારા ધરણાં પ્રદર્શન પહેલા કેટલાય કિસાન નેતાઓને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પંજાબના વિવિધ ખેડૂત સંગઠન નેતાઓના ઘર પર દરોડા પાડ્યા હતા. ખેડૂત નેતાઓને ધરપકડમાં લેતા કેટલીય જગ્યાએ પોલીસનો વિરોધ થયો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, સોમવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન અને સંયુક્ત કિસાન મોર્ચાના નેતાઓની વચ્ચે બેઠકમાં કોઈ પોઝિટીવ રિઝલ્ટ ન જોવા મળ્યું. બેઠકમાં કોઈ હલ ન નીકળતા ખેડૂતોએ 5 માર્ચના રોજ ચંડીગઢમાં ધરણા, વિરોધ પ્રદર્શન અને માર્ચ કરવાની જાહેરાત કરી હતી. આ અગાઉ ખેડૂતો ચંડીગઢ કૂચ કરે તે પહેલા બઠિંડા જિલ્લામાં લગભગ એક ડઝન જગ્યા પર દરોડા પાડ્યા અને કેટલાય ખેડૂત નેતાઓની ધરપકડ કરી. કહેવાય છે કે, ખેડૂત નેતાઓ અને મુખ્યમંત્રીની વચ્ચે બેઠકમાં ખૂબ ઉગ્ર દલીલો જોવા મળી હતી. ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે નારાજ મુખ્યમંત્રી ભગવંત માન કોઈ પણ ઉશ્કેરણી વિના બેઠકમાંથી નીકળી ગયા.
જનતા માટે મુશ્કેલી ઊભી કરવાનું ટાળવું જોઈએ
બેઠક બાદ, ભગવંત માને કહ્યું હતું કે ખેડૂતો સાથે વાતચીત માટે તેમના દરવાજા હંમેશા ખુલ્લા છે, પરંતુ આંદોલનના નામે જનતા માટે અસુવિધા અને મુશ્કેલી ઊભી કરવાનું ટાળવું જોઈએ. એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર હંમેશા સમાજના વિવિધ વર્ગોને લગતા મુદ્દાઓને વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર છે અને રેલ કે માર્ગ અવરોધો દ્વારા સામાન્ય માણસ માટે મુશ્કેલી ઊભી કરવાનું ટાળવું જોઈએ. આવી ક્રિયાઓ સામાન્ય જનતાને મુશ્કેલી પહોંચાડે છે, જે તેમને આંદોલનકારીઓ વિરુદ્ધ બનાવે છે, જેના કારણે સમાજમાં મતભેદો સર્જાય છે.
આ પણ વાંચો: ઔરંગઝેબના વખાણ કરવા ભારે પડ્યા, સપા નેતા અબૂ આઝમી પર પોલીસમાં ફરિયાદ નોંધાઈ