ટ્રમ્પ સાથે જીભાજોડી કરવાનું યુક્રેનને ભારે પડ્યું,અમેરિકાએ જંગમાં આપવામાં આવતી મદદ રોકી દીધી


વોશિંગટન, 04 માર્ચ 2025: વ્હાઈટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી સાથે ઉગ્ર દલીલો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણ લીધો છે. ટ્રમ્પે રશિયા વિરુદ્ધ યુક્રેનને આપવામાં આવી રહેલી સૈન્ય મદદ રોકી દીધી છે.
આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખાતરી ન મળે કે વોલોદીમિર ઝેલેન્સ્કી ખરેખર શાંતિ ઇચ્છે છે ત્યાં સુધી યુક્રેનને રોકેલી લશ્કરી સહાય પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા લશ્કરી સહાય બંધ કરીને આ બાબતની સમીક્ષા કરી રહ્યું છે. અમેરિકાના આ પગલાને ટ્રમ્પ સાથેની તેમની ચર્ચાનું પરિણામ ગણાવવામાં આવી રહ્યું છે. અહીં ઉલ્લેખનિય છે કે આનાથી એક અબજ ડોલરના હથિયારો અને દારૂગોળા સંબંધિત સહાય પર અસર પડશે.
તો વળી વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનને સુરક્ષા ગેરંટીની જરૂર છે. અગાઉ, વોલોદીમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવું લાગતું નથી કે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થશે. આના પર ટ્રમ્પે વોલોદીમિર ઝેલેન્સ્કી પર વળતો પ્રહાર કર્યો અને તેમની નિંદા કરી, તેને ખૂબ જ ખરાબ નિવેદન ગણાવ્યું.
રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સકી હવે શું કરશે?
અમેરિકા દ્વારા યુક્રેનને લશ્કરી સહાય બંધ કરવાથી રાષ્ટ્ર પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કીને મોટો ઝટકો લાગ્યો છે. આવી સ્થિતિમાં, તેમની આશા હવે સંપૂર્ણપણે યુરોપ પર ટકેલી છે. યુરોપે યુદ્ધમાં યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. લંડનમાં બ્રિટનના નેતૃત્વમાં યોજાયેલી યુરોપિયન દેશોની કટોકટીની બેઠકમાં યુક્રેનને મદદ કરવાની સર્વસંમતિથી વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિલ્હીમાં બે જૂથ વચ્ચે રાતના સમયે ફાયરિંગ થયું,અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં