વિશ્વાસ, પારદર્શકતા, ટીમવર્ક અને ટેકનોલોજી મુખ્ય ઉદ્દેશોઃ નવા સેબી સુપ્રીમો


મુંબઇ, 3 માર્ચઃ સેબી, એક બજાર નિયમનકારી સંસ્થા તરીકે, બધા હિસ્સેદારોનો વિશ્વાસ ધરાવે છે અને તે વિશ્વાસ કમાવવાનું અને તે વિશ્વાસ બનાવવાનું ચાલુ રાખશે એમ સેબીના નવનિયુક્ત ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું. પાંડેએ વિશ્વાસ, પારદર્શિતા, ટીમવર્ક અને ટેકનોલોજીને મૂડી બજાર નિયમનકારના ચાર મુખ્ય ઉદ્દેશ્યો નિર્ધારિત કર્યા છે. સાથે ઉમેર્યું કે સેબીને વિશ્વની ટોચની બજાર સંસ્થા બનાવવાના પ્રયાસો ચાલુ રહેશે.
ઓડિશા કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી પાંડેએ શનિવારે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) ના 11મા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
“સેબી એક ખૂબ જ મજબૂત બજાર સંસ્થા છે. તે વર્ષોથી ક્રમિક નેતૃત્વ ધરાવે છે તે ચાલુ રહેશે. અમે ભારતના લોકો, ભારતની સંસદ, સરકાર, રોકાણકારો અને ઉદ્યોગમાં વિશ્વાસ ધરાવીએ છીએ. વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે એમ તેમણે ચાર્જ સંભાળ્યા પછી પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે કહ્યુ હતુ કે “આપણા ચાર ઉદ્દેશ્યો છે. અમે વિશ્વાસ, પારદર્શિતા, ટીમવર્ક અને ટેકનોલોજી માટે કામ કરીએ છીએ. આ ચાર તત્વો તેને એક વિશિષ્ટ બનાવે છે. આપણે એક સંસ્થા (સેબી)નું નિર્માણ કર્યુ છે અને વિશ્વની શ્રેષ્ઠ બજાર સંસ્થાઓમાંની એક બનાવતા રહીશું,
તેમની કાર્યશૈલી સેબી અગાઉ જે રીતે કામ કરતી હતી તેનાથી અલગ હશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં પાંડેએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે કહ્યુ હતુ કે અમે કોઈ પણ બાબતમાં, કોઈ પણ વ્યક્તિ પર કે કોઈપણ શૈલી પર ટિપ્પણી કરવાના નથી. અમે અહીં એક ટીમ છીએ. તે એક હિસ્સેદારોની સંસ્થા છે, આપણે સાથે મળીને કામ કરીએ છીએ અને અમે તેના વિકાસમાં અમારું પોતાનું યોગદાન આપતા રહીશું,”
પાંડેએ સેબીના પ્રથમ મહિલા વડા – માધબી પુરી બુચનું સ્થાન લીધું છે. તેઓ એવા સમયે પદ સંભાળે છે જ્યારે બજાર સામે અનેક પડકારો છે, જેમાં શેરોની વેચવાલી, ગયા વર્ષે ઓક્ટોબરથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા રૂ. 2 લાખ કરોડથી વધુની વેચવાલી, ફિનઇન્ફ્લુઅન્સર્સ અને અનરજિસ્ટર્ડ રોકાણ સલાહકારો પર લગામ લગાવવાનું અધૂરું કાર્ય અને ડિલિસ્ટિંગ ધોરણોની સમીક્ષાનો સમાવેશ થાય છે.