યુક્રેન સામે છેલ્લાં 2 માસથી રશિયા યુદ્ધ કરી રહ્યું છે. જેના પગલે યુક્રેનની સાથે સાથે રશિયન સેનાને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. રશિયાના ન માત્ર હજારો સૈનિક પરંતુ સેંકડો અધિકારીઓને પણ જીવ ગુમાવવો પડ્યો છે. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે યુદ્ધમાં પુતિનના ટોપ કમાન્ડર ઘાયલ થઈ ગયા છે અને તેમને યુદ્ધના મેદાનમાંથી બહાર કરવામાં આવ્યા છે. રશિયન જનરલ સ્ટાફના પ્રમુખ વાલેરી ગેરાસિમોવને પુતિને ખાસ કરીને ડોનબાસ અને પૂર્વી વિસ્તારમાં યુદ્ધની કમાન પોતાના હાથમાં લેવા માટે યુક્રેન મોકલ્યા હતા.
કેટલાંક રિપોર્ટસમાં દાવો કરાઈ રહ્યો છે કે 66 વર્ષના ગેરાસિમોવ યુક્રેનના ખારકીવ ક્ષેત્રમાં ઈઝ્યૂમ શહેરમાં ઘાયલ થયા છે, જ્યાં હાલ સૌથી ભીષણ લડાઈ ચાલી રહી છે. બીજા અહેવાલ મુજબ આ વિસ્તારમાં રશિયાના જનરલ મેજર જનરલ આંદ્રેઈ સિમોનોવ માર્યા ગયા હતા. રશિયાના એક બિનસત્તાવાર અહેવાલ મુજબ ગેરાસિમોવના જમણો પગ એક વિસ્ફોટમાં ઘાયલ થયો છે, જો કે તેમને ફ્રેકચર નથી થયું.
પોતાના હાથમાં લીધી ડોનેત્સ્ક પર કબજો કરવાની કમાન
રિપોર્ટ મુજબ જનરલ થયેલી ઈજામાંથી ધાતુના ટુકડા દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે તેમના જીવને ખતરો ઓછો છે. યુક્રેનની સરકારના અધિકારી એન્ટોન ગેરાશચેંકોએ દાવો કર્યો કે ઈઝ્યૂમ પર હુમલો તે જગ્યાએ જ થયો જ્યાં ગેરાસિમોવ ઉપસ્થિત હતા. તેમને કહ્યું કે ગેરાસિમોવ પોતે ડોનેટ્સ્કના શહેર સ્લાવિયાંસ્ક પર હુમલોનું નેતૃત્વ માટે આવ્યા હતા. અધિકારીએ દાવો કર્યો કે મોટી સંખ્યામાં વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા છે.
સૈન્ય હેલિકોપ્ટરથી બેલગૉરૉડ પહોંચ્યા
યુક્રેન સમર્થક ટેલીગ્રામ ચેનલ વર્ટિકલે જણાવ્યું કે ઈઝ્યૂમની નજીક ગેરાસિમોવ ઘાયલ થયા છે. ચેનલે કહ્યું કે અમારા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમનો પગ અને પાછળ ભાગ ઘાયલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના દળના ત્રણ સૈનિક માર્યા ગયા છે અને સેના પ્રમુખ ત્યાંથી નીકળી ગયા છે. એન્જોટસ્ટવો મીડિયા આઉટલેટના સમાચાર મુજબ તેમને તાત્કાલિક એક Mi-8 સૈન્ય હેલિકોપ્ટરથી યુદ્ધ ક્ષેત્રથી પશ્ચિમી રશિયાના બેલગૉરૉડ પહોંચાડવામાં આવ્યા છે.