કામના કલાકો નહીં પરંતુ ગુણવત્તાયુક્ત કામ અગત્યનું છેઃ આકાશ અંબાણી


મુંબઇ, 1 માર્ચઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ એક ઇન્ટરેક્શનમાં જણાવ્યુ હતુ કે ઓફિસમાં કેટલા કલાક આપો છો તે નહી પરંતુ કેટલુ ગુણવત્તાયુક્ત કામ આપો છો તે અગત્યનું છે. હું કામના સમય અને કેટલા કલાક કામ કર્યુ તે જોતો નથી. પરંતુ દૈનિક ધોરણે તમે જે ગુણવત્તા પ્રદાન કરો છો તે અગત્યની છે.
મુંબઇ ટેક વિક ઇવેન્ટમાં ડ્રીમ 11ના સીઇઓ હર્ષ જૈને આકાશ અંબાણીને પ્રશ્ન પૂછ્યો હતો કે તેમણે સવારના 8થી 5 કે સાંજના 5થી સવારના 8 વાગ્યુ સુધી કામ કરવું જોઇએ? તેના જવાબમાં આકાશે ઉપર મુજબ જણાવ્યુ હતુ.
આકાશ અંબાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે હું જાણું છું હાલમાં સમય ઝડપથી વીતી રહ્યો છે. તેમ છતાં સમય કરતા કામની ગુણવત્તા અત્યંત અગત્યની હોવાનું હું માનુ છું. વૃદ્ધિ રિલાયન્સનો સિદ્ધાંત છે, પરંતુ તે તમારા અંગત જીવનમાં પણ લાગુ પડે છે એમ કહેતા આકાશે ઉમેર્યુ હતુ કે પસાર થતા પ્રત્યેક દિવસે તમારે વિકાસ કરવો જોઇએ. તમે જેમાં કુશળ નથી તેવા વિસ્તારમાં જાઓ અને ત્યાંથી પણ વૃદ્ધિ પણ કરી શકાય છે તે તમે જાણો છો?
આકાશ અંબાણીએ એમ પણ કહ્યું કે તેમની કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોરચે માર્ગદર્શન આપવા માટે 1,000 થી વધુ ડેટા વૈજ્ઞાનિકો, સંશોધકો અને એન્જિનિયરોની એક ટીમ બનાવી છે. “કંપની જામનગરમાં 1GW ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર પણ બનાવી રહી છે જે દેશની AI યાત્રામાં મદદ કરશે.”
આ પણ વાંચોઃ કચ્છમાં ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક વારસા સમાન ધોળાવીરાની રાષ્ટ્રપતિ મૂર્મૂએ મુલાકાત લીધી