ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ટ્રમ્પ સાથે ગરમાગરમી થયા બાદ ઝેલેન્સકીએ માફી માગવાની સ્પષ્ટ ના પાડી દીધી, લંચ વિના નીકળી ગયા

વોશિંગટન, 1 માર્ચ 2025: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચર્ચા બાદ યુક્રેની રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીએ ફોક્સ ન્યૂઝને આપેલા એક ખાસ ઈન્ટરવ્યૂમાં પોતાના તરફથી અમેરિકી સમકક્ષ વચ્ચે થયેલી ઘટના માટે માફી માગવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ઝેલેંન્સકીએ કહ્યું કે, આ વિવાદ માટે માફી નહીં માગે પણ તેમણે આ ઘટનાને બંને પક્ષ માટે સારી નથી ગણાવી.

અમે ટ્રમ્પને કંઈ ખોટું કહ્યું નથી

ઝેલેન્સકીએ કહ્યું કે જો અમેરિકા પોતાનો ટેકો પાછો ખેંચી લેશે તો અમારા માટે યુક્રેનને રશિયાથી બચાવવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે તેમને દુઃખ છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની ઉગ્ર વાતચીત ટેલિવિઝન પર પ્રસારિત થઈ. ઝેલેન્સકીએ ભાર મૂક્યો કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદર કરું છું. હું અમેરિકન લોકોનો આદર કરું છું. મને નથી લાગતું કે અમે કંઈ ખરાબ કહ્યું.

ઇન્ટરવ્યુમાં, જ્યારે એન્કરે યુક્રેનિયન રાષ્ટ્રપતિને પૂછ્યું કે શું તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની માફી માંગવી જોઈએ, ત્યારે ઝેલેન્સકીએ ના કહ્યું. “આ ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ છે,” તેમણે કહ્યું. “અમારી મિત્રતા ક્યાં છે? આપણે મિત્રો છીએ,” તેમણે અમેરિકાનો ઉલ્લેખ કરતા કહ્યું. યુક્રેનમાં ન્યાય અને સ્થાયી શાંતિ માટેના પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહેલા ઝેલેન્સકીએ ભાર મૂક્યો કે “ખનિજ સોદો સુરક્ષા ગેરંટીના માળખાનો એક ભાગ છે.”

ટ્રમ્પે ઝેલેન્સકીને ફટકાર લગાવી

અહીં ઉલ્લેખનિય છે કે, શુક્રવારે ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી પર પ્રહારો કર્યા હતા. ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે તમે રશિયા સાથે યુદ્ધ કરીને લાખો લોકોના જીવન સાથે રમી રહ્યા છો. ટ્રમ્પે યુદ્ધ માટે ઝેલેન્સકીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. ટ્રમ્પે કહ્યું કે યુક્રેનિયન રાષ્ટ્રપતિના પગલાં ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે. ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ઝેલેન્સકીએ લગભગ 45 મિનિટ સુધી વાતચીત કરી, જેમાં છેલ્લી 10 મિનિટ ત્રણેય વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ.

ઝેલેન્સકી લંચ લીધા વિના વ્હાઇટ હાઉસ છોડી ગયા

આ પછી, ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા. ટ્રમ્પે આ કરારની માંગ કરી હતી, અને કહ્યું હતું કે તે યુક્રેનને ભવિષ્યમાં ટેકો આપવા માટે એક શરત છે. ટ્રમ્પ, ઝેલેન્સકી અને પ્રતિનિધિમંડળ કેબિનેટ રૂમની બહાર લંચ લેવાના હતા, પરંતુ બાદમાં સ્ટાફ ત્યાં સલાડ પ્લેટ અને અન્ય વસ્તુઓ પેક કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી, સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળ્યો

Back to top button