કોંગ્રેસ ફરી તૂટે છે ? છ ધારાસભ્યોની ભાજપના મોવડીઓ સાથે થઈ બેઠક !
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. હાલમાં ગાંધીનગરના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોંગ્રેસ ફરી એકવાર તૂટવાના આરે છે. છ જેટલા ધારાસભ્યએ છેલ્લા એકાદ દિવસમાં ભાજપના મોવડીઓ સાથે બેઠક કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત આ તમામ ધારાસભ્યો સાતમ-આઠમના તહેવાર બાદ કેસરીયો કરે તેવી પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના એક-બે નહીં પણ છ ધારાસભ્યોએ કર્યું હતું ક્રોસ વોટીંગ
આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાતમાં કોંગ્રેસને એક સાંધે ત્યાં તૂટે તેવી પરિસ્થિતી છે. કોંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવી શકી નથી. એક પછી એક ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને કસરિયો ખેસ પહેરી રહ્યા છે જેના કારણે ખુદ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ગુજરાત પ્રદેશ નેતાગીરીથી ખફા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પણ ભાજપે ખેલ પાડ્યો હતો જેના કારણે કોંગ્રેસના એક-બે નહી પણ છ ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ત્રણ સૌરાષ્ટ્રના અને ત્રણ ગુજરાત તરફના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ પૈકી એક ધારાસભ્ય તો ખુલીને ભાજપનું સમર્થન કરી રહ્યા છે. તેઓએ અનેક વખત ભાજપના નેતાઓ સાથે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે. જો કે પોતે આ મામલે હાલ મગનું નામ મરી પાડી રહ્યા નથી. ત્યારે કેટલા સમયમાં તેઓ કેસરીયો કરી લે છે તે જોવાનું રહેશે.
ક્યાં-ક્યાં ધારાસભ્યો કેસરીયો કરવાના મુડમાં છે ? તેના જવાથી શું ફેર પડશે ?
હાલમાં ગાંધીનગરના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગાંધીનગર ખાતે ભાજપના મોવડીઓને મળવા માટે એક બાદ એક કોંગ્રેસના છ ધારાસભ્ય આવ્યા હતા. જેમાંથી સૌરાષ્ટ્રમાંથી ત્રણ અને ત્રણ ગુજરાતના હોવાનું પણ જાણવા મળ્યું છે. જો આ અંગે વિગતવાર ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રમાંથી ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ વસોયા સૌથી પહેલા ક્રમાંકે આવે છે. તેઓ લાંબા સમયથી ભાજપ તરફનો ઝુંકાવ ધરાવે છે. અવારનવાર તેઓ આ બાબતને લઈ ચર્ચામાં પણ આવી ચુક્યા છે. જો કે જાહેરમાં તેઓ કહેતા અચકાય છે કે પોતે ભાજપને સમર્થન કરશે. ત્યારબાદ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનો નંબર આવે છે. તેઓની આ પ્રથમ ટર્મ છે. આવનારી વિધાનસભા ચૂંટણીમાં જો પક્ષ પલ્ટો કરી ભાજપમાં જોડાઈ તો તેમને ટીકીટ આપવામાં આવે તેવી શરત સાથે તેઓ કેસરીયો ધારણ કરી શકે છે. ત્રીજા નંબરે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા આવે છે. જેઓ ચુસ્ત કોંગ્રેસી માનવામાં આવે છે અને અગાઉ તેમણે બેઠક જીત્યા બાદ ખેડૂતો મુદ્દે અનેકવાર ભાજપ સરકારને ઘેરી કોંગ્રેસમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે પણ ઘણા સમયથી તેઓ પણ ભાજપનો વિરોધ કરવામાં પાછળ રહ્યા છે અને શાંતિથી પોતાના મત વિસ્તારમાં પ્રભુત્વ સ્થાપી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ત્રણ ધારાસભ્યોમાં ઝાલોદના ભાવેશ કટારા, જંબુસરના સંજય સોલંકી અને પાલનપુરના મહેશ પટેલના નામો ચર્ચામાં આવી રહ્યા છે.