ઇન્ટરનેશનલ ડેસ્કઃ સલમાન રશ્દી પર હુમલાની નિંદા કરનાર લેખક જે.કે. રોલિંગને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 57 વર્ષીય રોલિંગે ટ્વિટર પર યુઝરના ધમકીભર્યા મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો .હેરી પોટરની લેખકે ટ્વીટ કરીને રશ્દીની છરા મારવાની ઘટના પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, આ ઘટનાથી તેણીને ખૂબ જ દુઃખ થયું છે. આશા છે કે નવલકથાકાર જલ્દી સ્વસ્થ થઈ જાય. ત્યાં જ એક ટ્વીટર યુઝરે લખ્યું કે, ‘ચિંતા કરશો નહીં. તમે નેક્સ્ટ ટાર્ગેટ છો.’
.@TwitterSupport any chance of some support? pic.twitter.com/AoeCzmTKaU
— J.K. Rowling (@jk_rowling) August 13, 2022
રોલિંગને જાનથી મારી નાખવાની ધમકી આપનારે ટ્વિટર હેન્ડલ ન્યૂજર્સીના હુમલાખોર હાદી મટરની પણ પ્રશંસા કરી હતી. શુક્રવારે પશ્ચિમી ન્યૂયોર્કમાં એક સાહિત્યિક કાર્યક્રમ દરમિયાન મટરે રશ્દીને ઘણી વાર ચાકુ માર્યા હતા. સલમાન રશ્દીનું લીવર ડેમેજ થઈ ગયું છે. આ સાથે જ તેઓ હાલ વેન્ટિલેટર પર છે. તેઓ છરાના ઘાને કારણે એક આંખ ગુમાવી શકે છે. મટર સામે સેકન્ડ ડીગ્રીમાં હત્યાનો પ્રયાસ અને સેકન્ડ ડીગ્રીમાં હુમલાનો ગુનો નોંધાયો છે. પોલીસ હુમલા પાછળના હેતુની તપાસ કરી રહી છે.
રશ્દીનું પુસ્તક ‘ધ સેટેનિક વર્સીસ’થી ઈરાનમાં પ્રતિબંધિત છે, કારણ કે ઘણા મુસ્લિમો તેને નિંદા માને છે.
હુમલાને ઈરાનનું સમર્થન, કેટલાક લોકો ચિંતિત
ઈરાનીઓએ પ્રખ્યાત નવલકથાકાર સલમાન રશ્દી પરના હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. જો કે હુમલાખોર હાદી મટરે શા માટે રશ્દી પર હુમલો કર્યો, તે હજુ સ્પષ્ટ નથી. ઈરાનની સરકાર અને તેના રાજ્ય મીડિયાએ આ હુમલા પાછળ કોઈ કારણ આપ્યું નથી. પરંતુ તેહરાનમાં કેટલાક લોકોએ લેખક પરના હુમલાની પ્રશંસા કરી છે. જેઓ માને છે કે, રશ્દીએ તેમના 1988ના પુસ્તક ‘ધ સેટેનિક વર્સિસ’માં ઇસ્લામની છબીને નુકસાન પહોંચાડ્યું હતું.
રાજધાની તેહરાનની ગલીઓમાં આજે પણ ખામેનીનો ફતવો લોકોના મનમાં છે. રેઝા અમીરી નામના વ્યક્તિએ કહ્યું, ‘હું સલમાન રશ્દીને ઓળખતો નથી, પરંતુ મને એ સાંભળીને આનંદ થયો કે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે તેણે ઈસ્લામનું અપમાન કર્યું હતું.’ ત્યારે બીજી બાજુ તેહરાનમાં રહેતા 34 વર્ષીય મોહમ્મદ મહદી મોવાઘરે કહ્યું કે, તે સારી વાત છે. તેનાથી લોકોને જાણ થશે કે જે લોકો મુસ્લિમોની પવિત્ર વસ્તુઓનું અપમાન કરે છે. તેમને આ દુનિયામાં સજા પણ આપવામાં આવશે’.
જો કે, કેટલાક લોકો એવા છે જેમને ચિંતા છે કે આ હુમલા બાદ ઈરાન દુનિયાથી વધુ દૂર થઈ જશે. કોઈપણ રીતે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને તણાવ ચાલી રહ્યો છે. ભૂગોળના શિક્ષક મહશીદ બારાતી (39)એ કહ્યું, ‘હું માનું છું કે જેમણે આ કર્યું છે તેઓ ઈરાનને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ ઉલ્લેખનીય છે કે, ઈરાનના તત્કાલિન (સ્વર્ગસ્થ) સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખામેનીએ 1989માં રશ્દીને ફાંસીની સજા આપવાનો ફતવો બહાર પાડ્યો હતો.