અમદાવાદનું ખાણી-પીણી માટેનું વર્ષો જૂનુ માર્કેટ માણેકચોક આગામી સમયમાં થશે બંધ!


- હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે
- બજાર એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય AMC દ્વારા કરાયો
- જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે
અમદાવાદનું ખાણી-પીણી માટેનું વર્ષો જૂનુ માર્કેટ માણેકચોક આગામી સમયમાં બંધ થવાનું છે. AMC દ્વારા માણેકચોકમાં જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે. જેને લઈને હાલમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ ખાણી-પીણી બજાર એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય AMC દ્વારા કરાયો છે.
રિહેબિલિટેશનની કામગીરી હાથ ધરાશે
AMCના સત્તાધીશોના જણાવ્યાનુસાર,અમદાવાદના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજની લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવશે. હાલ તેની સરવેની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થયા બાદ રિહેબિલિટેશન માટેની કામગીરીના પગલે માણેકચોક એક મહિનો બંધ રાખવામાં આવશે.
હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે,તંત્ર દ્વારા ખાણી-પીણી વિક્રેતા અને સોની બજારના વેપારીઓને સુચના પણ આપી દેવામાં આવી છે. જો કે, બજાર ક્યારે ખુલશે તેની તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હોળીના તહેવાર બાદ ડ્રેનેજની કામગીરી હાથ ધરાશે. તેથી હોળી બાદ માણેકચોક બંધ રાખવામાં આવી શકે છે. જો માણેકચોક બંધ રહે તો અહી ખાણીપીણીના વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. તેમના ધંધા રોજગાર પર અસર પડી શકે છે.