હરિયાણામાં ભાજપ સરકારના કપાળે કાળી ટીલી, પરીક્ષામાં નકલખોરીનાં દૃશ્યો જોવા મળ્યાં


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2025ઃ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન હરિયાણામાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે. ગણિતના પેપરમાં વિદ્યાર્થીઓ ધૂમ ચોરી કરતાં જોવા મળ્યા હતા. જેને લઈ તંત્રના નકલ વગર પરીક્ષા યોજવાના દાવાની પોલ ખૂલી ગઈ છે. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ધો.10ના પેપરમાં વિદ્યાર્થીઓને કોપી કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોનિપતના પરીક્ષા સેન્ટરનો હોય છે. અહીંયા પરીક્ષા કેન્દ્રની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કોપી કરાવવામાં આવતી હોવાની તસવીર કેદ થઈ હતી. વિદ્યાર્થીઓના જાણકાર નકલ કરાવવા માટે પરીક્ષા સેન્ટરની દીવાલ કૂદતા નજરે પડ્યા હતા.
પોલીસ અને પ્રશાસન પરીક્ષામાં ચોરી અટકાવવામાં નિષ્ફળ
હરિયાણા શિક્ષણ વિભાગે ચોરી થયા વગર પરીક્ષા યોજવામાં આવશે તેવો દાવો કર્યો હતો. આ દાવાના લીરે લીરા ઉડ્યા છે. શિક્ષણ વિભાગની સાથે સાથે પોલીસ જવાન પણ ચોરી અટકાવી શક્યા નહોતા. જોકે તંત્ર અને શિક્ષણ વિભાગે પરીક્ષામાં કડકાઈ દાખવવામાં આવશે તેવો દાવો કર્યો હતો. પરંતુ વાસ્તવિકતા અલગ જ છે.
હરિયાણામાં 10મા બોર્ડની પરીક્ષા 28 ફેબ્રુઆરીથી 19 માર્ચ 2025 સુધી ચાલશે. તમામ પરીક્ષા સિંગલ શિફ્ટમાં બપોરે 12.30 થી 3.00 કલાક સુધી યોજાશે. આજે પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. જેમાં પરીક્ષા કેન્દ્રની બહાર ઉમટેલી ભીડ કોપી કરાવવાની ફિરાકમાં નજરે પડી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 ફેબ્રુઆરીએ હરિયાણા બોર્ડના ધો. 12ના અંગ્રેજીનું પેપર લીક થયું હોવાનું સામે આ્યું હતું. નૂંહના ટપકન ગામના પરીક્ષા કેન્દ્રમાંથી આ પેપર લીક થયું હતું. આ મામલે ત્રણ પરીક્ષાર્થી સહિત બે સુપરવાઈઝર સામે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી શૈક્ષણિક વર્ષથી આ ધોરણના પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર