અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન કેસો અંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે આપી વિગતવાર માહિતી

  • બે વર્ષમાં ગેરકાયદે ખનન અંગેના ૧૬૫ કેસમાં રૂ.૨૮૮.૯૬ લાખની વસૂલાત કરવામાં આવી
  • ૨૨ કેસમાં ૫૯ લોકો સામે રૂ.૧૫૯.૬૭ લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી, 2025: સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કાર્બોસેલની ખાણોમાં ગેરકાયદે ખનન અને તે અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિગતો આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં તપાસ ટીમો દ્વારા તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમિયાન વિવિધ માધ્યમોથી મળેલી ફરિયાદો અન્‍વયે કુલ ૧૯૭ કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૬૫ કેસમાં રૂ.૨૮૮.૯૬ લાખની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે ૧૦ કેસમાં કુલ ૩૩ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ ૨૨ કેસમાં ૫૯ લોકો સામે રૂ.૧૫૯.૬૭ લાખની કોર્ટ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું કે, વિવિધ માધ્યમો દ્વારા આ અંગે જ્યારે પણ ફરિયાદો કે અન્ય માહિતી મળે, ત્યારે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મુળી, સાયલા અને ચોટીલા તાલુકામાં સુરેન્દ્રનગર ભૂસ્તરશાસ્ત્રીની કચેરી અને ફલાઇંગ સ્ક્વૉડ તથા ગાંધીનગરની ટીમોએ સાથે મળીને વખતોવખત મુળી, સાયલા અને થાનગઢ તાલુકાઓમાં થતી કાર્બોસેલ ખનીજની ચોરી અન્વયે કામગીરી કરવામાં આવી છે.

આ કાર્યવાહી અંતર્ગત વર્ષ ૨૦૨૩માં વિવિધ મશીનરી સીઝ કરીને ૩૮૨ જેટલા જુદા-જુદા પ્રાઇવેટ સરવે નંબરોમાં સર્વેયરો દ્વારા ગામોના રેવન્યૂ તલાટી અને સર્કલ ઑફિસરોને સાથે રાખી ૮૩૫ જેટલા ઊંડા ઉતારેલા કૂવાઓની માપણી અંગેની કામગીરી કરવામાં આવી છે. જેના આધારે થાનગઢ, મુળી અને સાયલા તાલુકાના ખાનગી જમીન માલિકોને વિવિધ ૧૫૯ કેસોમાં કુલ રૂ.૩૨૨૦.૭૦ લાખની કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત લીઝની વિગતો આપતાં બલવંતસિંહે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ જિલ્લામાં કાર્બોસેલ ખનીજની કુલ ૩૦ લીઝ કાર્યરત છે. જે પૈકી મુળી તાલુકામાં એક, જ્યારે થાનગઢ તાલુકામાં કુલ ૨૯ લીઝ કાર્યરત છે. આ સિવાય, જિલ્લામાં અન્‍ય ખનીજની ૩૪૪ લીઝ આવેલી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, સાયલા અને મુળી તાલુકાઓના અલગ-અલગ ગામોમાં સરકારી, ગૌચર અને ખાનગી માલિકીની જમીનોમાં કાર્બોસેલ તેમજ અન્ય ખનીજોનું ગેરકાયદે ખોદકામ થયેલા કૂવાઓમાં પુરાણ કરવાની કામગીરી કરવામાં આવી છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા રૂ. ૩૨૬ લાખની વિશિષ્ટ ગ્રાન્ટ મેળવી ટેન્ડરથી એજન્સી નિયુક્ત કરીને આશરે ૨૨૦૦ જેટલા કૂવાઓમાં માટી પુરાણની કામગીરી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લીઝમાંથી રાજ્ય સરકારને થયેલી આવક અંગેની વિગતો આપતા તેમણે કહ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં જિલ્લામાં કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝમાંથી કુલ રૂ.૭૭૯.૩૬ લાખ રોયલ્ટીની આવક થઈ છે. જ્યારે અન્‍ય ખનીજની ૩૪૪ જેટલી લીઝમાંથી કુલ રૂ. ૧૩૫૫૯.૩૬ લાખ રોયલ્ટીની આવક થઈ છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા ક્લેક્ટર દ્વારા થાનગઢ, મુળી અને સાયલા તાલુકામાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજના ખનન, વહન અને સંગ્રહ પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા રાઉન્ડ ધ ક્લોક ‘ક્વિક રિસ્પોન્સ ટીમ’ (QRT – Quick Response Team)નું ગઠન કરવામાં આવ્યું છે. આ ટીમ દ્વારા સતત સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે.

આ સિવાય, કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખાણકામ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા ગ્રામસભા તથા પેમ્ફલેટ વિતરણ સહિતની કામગીરી પણ કરવામાં આવે છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ચીન સામે ભારતની પ્રચંડ જીત! એપલ ઉત્પાદનોમાં મેક ઈન ઈન્ડિયા સાધનો વાપરવા મજબૂર

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button