મહારાષ્ટ્રના રાજકારણમાં દરરોજ ગરમાવો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં એક પછી એક નવી રોન નીકળી રહી છે. ત્યારે હવે ફરી મહારાષ્ટ્રમાં બનેલી નવી સરકાર પડી ભાંગવાના સમાચાર વહેતા થયા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના મહત્વના પક્ષ શિવસેનાને તોડીને ઠાકરે પરિવારના નજીકના એકનાથ શિંદે બળવો કરીને 50થી વધુ ધારાસભ્યો સાથે બીજેપી સાથે નવી સરકારની રચના કરી હતી. ઉદ્ધવ ઠાકરેને મોટાપાયે નુકશાન કરીને હવે શિવસેનાની તમામ અસ્કયામતો પોતાના નામે કરવાની તૈયારી કરી રહેલ શિંદે સમૂહ માટે આગામી સમય કપરા ચઢાણનો છે. એકનાથ શિંદે સરકારની 2 સભ્યો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કેબિનેટનું 40 દિવસ બાદ વિસ્તરણ થતા હવે નવી સરકાર પર જ કાળા વાદળો ઘેરાઈ શકવાની આશંકા હતી અને આજે જોવા મળેલ એક ટ્વિટર પોસ્ટથી તેની શરૂઆત થઈ છે.
એકનાથ શિંદે સરકારના 9મી ઓગસ્ટે થયેલ કેબિનેટ વિસ્તરણમાં 18 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા, જેમાં 9 મંત્રી બીજેપી અને 9 મંત્રી એકનાથ શિંદે જૂથના છે. નવી સરકારમાં રાધાકૃષ્ણ વિખે પાટીલ, સુધીર મુનગંટીવાર, ચંદ્રકાંત પાટિલ, વિજયકુમાર ગાવિત, ગિરીશ મહાજન, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંજય રાઠોડ, સુરેશ ખાડે, સંદીપન ભુમરે, ઉદય સામંત, તાનાજી સાવંત, રવિન્દ્ર ચવ્હાણ, અબ્દુલ સત્તાર, દીપક કેસરકર, અતુલ સાવે, શંભૂરાજ દેસાઈ, મંગલ પ્રભાત લોઢાએ મંત્રીપદના શપથ લીધા હતા પરંતુ આ વિસ્તરણમાં સ્થાન ન મળતા અનેક બળવાખોર ધારાસબ્યો નાખુશ હોવાનું જાણવા મળ્યું હતુ અને આ નારાજગી હવે જાહેરમાં જોવા મળી રહી છે.
મંત્રીમંડળમાં સ્થાન ન મળતા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ત્રીજી ટર્મમાં ચૂંટાઈ આવેલા ધારાસભ્ય સંજય શિરશાટે બળાપો ઠાલવ્યો છે. શિરશાટે કરેલ એક ટ્વિટમાં ઉદ્ધવ ઠાકરેનો ફોટો મુક્યો છે અને કેપ્શનમાં લખ્યું છે મહારાષ્ટ્રના કુટુંબપ્રમુખ આદરણીય ઉદ્ધવ ઠાકરે સાહેબ…
આ પણ વાંચો : તિરંગો ફરકાવતા પહેલા આ વાતોનું રાખજો ધ્યાન, જાણો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા જરૂરી નિયમ
આ ટ્વિટ બાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી કે શું તેઓ શિંદે સમૂહ સામે બળવો કરીને ફરી ઉદ્ધવ ઠાકરેના પક્ષે થશે ? જોકે રસપ્રદ વાત એ પણ છે કે સંજયે 10 મિનિટ બાદ જ આ ટ્વિટ ડીલિટ કર્યું છે પરંતુ મહારાષ્ટ્રના રાજકીય ગલિયારાના તજજ્ઞોના મતે મંત્રીમંડળમાં સ્થાન ન મળતા અંદાજે 10 બળવાખરો ધારાસભ્યો શિંદેથી હવે નારાજ છે અને પડદા પાછળ મહારાષ્ટ્રમાં હજી પણ કઈંક રાજકીય ખેલ રચાઈ રહ્યો છે.