ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં વિવિધ જગ્યાએથી અકસ્માતની 3 ઘટના સામે આવી

Text To Speech
  • હેબતપુર, બાવળા અને બોપલ વિસ્તારમાં ગંભીર અકસ્માત
  • બે લોકો મોતને ભેટ્યાં છે તેમજ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો

અમદાવાદમાં વિવિધ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવી છે. હેબતપુર, બાવળા અને બોપલ વિસ્તારમાં ગંભીર અકસ્માતના કારણે બે લોકો મોતને ભેટ્યાં છે તેમજ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો

અમદાવાદના હેબતપુર ઓવરબ્રિજ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હેબતપુર ઓવરબ્રિજ ચઢતાં એક ચાલુ ટ્રક પાછળ અર્ટિકા ઘૂસી જતાં અસક્માત સર્જાયો હતો. ગાડી ટ્રકની નીચે આવી જતાં તેનો ભૂક્કો બોલાઈ ગયો હતો. આ સિવાય ગાડીમાં સવાર ત્રણમાંથી એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ધંધુકાનો રહેવાસી હતો

બાવળાથી બગોદરા તરફ જતાં ટ્રક ચાલક તેના માલિક સાથે વચ્ચે જમવા માટે રૂપાલ ચોકડીની મધુવન હોટેલ ખાતે ટ્રક ઊભી રાખી હતી. આ દરમિયાન ટ્રક માલિક રસ્તો ઓળંગીને સામેની બાજુ જઈ રહ્યો હતો ત્યારે બગોદરાથી આવતાં મોપેડ ચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રક માલિકનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોત થઈ ગયું. આ સિવાય મોપેડમાં સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. અકસ્માતની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે, મૃતક ધંધુકાનો રહેવાસી હતો.

ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

શહેરના બોપલ વિસ્તારમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બોપલમાં આવેલાં સ્વસ્તિક વિવંતા રોડ ઉપર બેફામ કાર ચાલકે અમરત રબારી નામના યુવકને અડફેટે લીધો હતો. જેના કારણે યુવકને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જોકે, કાર ચાલક ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો છે અને ઈજાગ્રસ્ત યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લાંચીયા કર્મચારીઓ પર સકંજો, ACBએ ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા

Back to top button