ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં લાંચીયા કર્મચારીઓ પર સકંજો, ACBએ ત્રણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા

  • પાલનપુરમાં નાયબ કલેક્ટરને રંગે હાથ ઝડપી પાડ્યા
  • જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર રૂ.18000 લેતા ઝડપાયા
  • ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ પર એસીબીએ સકંજો કશ્યો છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ પાલનપુરમાં નાયબ કલેક્ટરને, જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેરને જ્યારે ખેરાલુમાં નાયબ મામલતદારને લાંચ લેતા ઝડપી લીધા છે. એસીબીએ ત્રણેય લાંચીયા અધિકારીઓને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી દીધી છે.

ક્લાસ વન ઓફિસર સામે ટ્રેપ કરવા ગાંધીનગરથી ACBની ટીમ પાલનપુર પહોંચી

પાલનપુરમાં નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી અંકિતા ઓઝાને ACBએ રંગે હાથે લાંચ લેતા પકડ્યા છે. ક્લાસ વન ઓફિસર સામે ટ્રેપ કરવા ગાંધીનગરથી ACBની ટીમ પાલનપુર પહોંચી હતી. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન-મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.

ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરૂ કરી

બનાસકાંઠામાં ACBએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ OS ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACB દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ તપાસ શરુ કરી છે.

જૂનાગઢમાં અધિક મદદનીશ ઈજનેર રૂ.18000 લેતા ઝડપાયા

જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)માં અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડાએ ફરીયાદીના અસીલની ખેતીની જમીનમાં બાંધકામ કરવા માટે રોડથી બાધકામ-નિયંત્રણ રેખા અંગેની માહીતીના પત્રની ખરાઈ કરી, અભિપ્રાય આપવા માટે ફરીયાદી પાસે રૂ.20,000/-ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે બે હજાર ઓછા આપવાનું કહીને રૂ. 18,000/- ની લાંચની માંગણી કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ જુનાગઢ એ.સી.બી.ને ફરીયાદ કરતા ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચિયો અધિકારી અધિક મદદનીશ ઈજનેર (SO) મિલન ગીરીશભાઈ ભરખડા લાંચના નાણાં રૂ.18,000/- સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો

મહેસાણા જિલ્લાના મામલતદાર કચેરી, તા.ખેરાલુ ખાતે પુરવઠા શાખામાં નાયબ મામલતદાર (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડિકોય છટકા દરમિયાન રૂ. 10,000/-ની લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા દ્વારા ખેરાલુ મામલતદાર કચેરી ખાતે સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને હેરાન કરી માસીક રૂ.1000/- થી રૂ.5000/- ની રકમ વેપારીઓ પાસેથી હપ્તા પેટે લાંચ લેવામાં આવતી હોવાની બાતમી એ.સી.બી.ને મળી હતી. ફરિયાદીને હેરાન ના કરવા બાબતે નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતાએ લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં પોલીસ અધિકારીઓના રાજીનામાં, DySP રૂહી પાયલાએ પદ છોડ્યું

Back to top button