વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થતા ભારતમાં સોનાની આયાત 20 વર્ષના સૌથી નીચા મથાળે

અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2025: વૈશ્વિક સ્તરે સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચતા ચાલુ મહિનાની ભારતની સોનાની આયાત વાર્ષિક ધોરણે 85 ટકા જેટલી નીચી અલબત્ત કહીએ તો ફેબ્રુઆરીની આયાત વીસ વર્ષના તળિયે જોવા મળી રહી છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ફેબ્રુઆરી 2024માં 103 ટનની સામે વર્તમાન વર્ષના આ મહિનામાં સોનાની આયાત 15 ટન જેટલી રહ્યાનો અંદાજ છે, જે છેલ્લા બે દાયકામાં કોઈ એક મહિનાની સૌથી નીચી આયાત છે.
જાન્યુઆરીની સોનાની આયાત વોલ્યુમની દ્રષ્ટિએ 35 ટનથી ઓછી રહી છે જ્યારે મૂલ્યની દ્રષ્ટિએ 2.68 અબજ ડોલર સાથે ડિસેમ્બરની સરખામણીએ 43 ટકા નીચી રહી હતી. વિશ્વમાં સોનાના બીજા મોટા આયાતકાર દેશ ભારતમાં ગોલ્ડની નીચી આયાતથી વેપાર ખાધ અંકૂશમાં રાખવામાં મદદ મળશે એટલું જ નહીં ડોલર સામે રૂપિયાને વધુ નબળો પડતો અટકાવી શકાશે એવો પણ મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
ભૂ-રાજકીય અશાંતિને કારણે 2024માં મોટાભાગની વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની નોંધપાત્ર ખરીદી રહી હતી જેને કારણે સોનાના ભાવમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો હતો. વર્તમાન સપ્તાહમાં સોનાના ઔંસ દીઠ ભાવ ઉછળી 2956 ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. ઊંચા ભાવને કારણે ભારતના ટ્રેડરો તથા જ્વેલર્સ દ્વારા ખરીદી ધીમી પડી છે. ભાવ ઊંચા જળવાઈ રહેશે તો ભારત દ્વારા ખરીદીમાં વધુ ઘટાડો જોવા મળે તેમ સૂત્રો જણાવે છે.
વૈશ્વિક ઊંચા ભાવને પરિણામે ઘરઆંગણે પણ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૮૬૫૯૦ સાથે વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે.
નોંધનીય છે કે 2024માં દેશની ગોલ્ડ માગ ઊંચી રહ્યા બાદ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળવાની સંભાવના છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે વર્તમાન વર્ષમાં જ્વેલરીની માગ નીચી રહેવા સંભવ છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું. 2024માં દેશની સોનાની માગ વાર્ષિક ધોરણે પાંચ ટકા વધી 802.80 ટન રહી હતી તે 2025માં ઘટી 700થી 800 ટનની વચ્ચે રહેવા વકી છે.
દેશમાં ગોલ્ડની એકંદર માગમાં જ્વેલરી માટેની માગનો હિસ્સો 70 ટકા જેટલો રહે છે. ગોલ્ડના વધી રહેલા ભાવને પરિણામે જ્વેલરી માગ પર અસર પડી રહ્યાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ઈન્વેસ્ટમેન્ટ માગ હજુપણ જળવાઈ રહી છે, એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
2024માં દેશની ગોલ્ડ માગ નવ વર્ષની ટોચે રહી હતી પરંતુ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડના ઊંચા ભાવની સ્થિતિમાં સૌથી વધુ અસર જ્વેલરી માગ પર જોવા મળે છે.
આ પણ વાંચોઃ હર હર મહાદેવઃ શિવ ભક્તિમાં લીન થયા બોલિવૂડ સ્ટાર્સ, આપી શિવરાત્રીની શુભેચ્છાઓ