રાજકોટઃ બેડરૂમના વીડિયો જોવા QR કોડ આપ્યા, અલગ અલગ રેટકાર્ડ પણ નક્કી કર્યા

રાજકોટ, 26 ફેબ્રુઆરી 2025: થોડા સમય પહેલા રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક થવાની ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યારે હવે આ ઘટનામાં તપાસમાં રેલો સુરત, મહારાષ્ટ્રના લાતુર અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ સુધી પહોંચી ચૂક્યો છે. એવું પણ માનવામાં આવે છે કે તેના તાર વિદેશ સુધી પણ ફેલાયા છે. હવે આ પ્રકરણમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.
રૂપિયા કમાવવાની લ્હાયમાં આ ટોળકીએ બેડરૂમના સીસીટીવી પણ બાકી નથી રાખ્યા. તેમણે માત્ર લોકોના બેડરૂમના સીસીટીવીના ફૂટેજ જ રેકોર્ડ કરીને નથી વેચ્યા. પરંતુ રૂપિયા લઈને કોઈપણ વ્યક્તિના બેડરૂમના સીસીટીવી ફૂટેજનું લાઇવ એક્સેસ આપી દેતા હતા. અસંખ્ય લોકોએ રૂપિયા આપીને આવા ફૂટેજ ખરીદ્યા પણ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે હોસ્પિટલ, સિનેમાહોલ, જિમ, સ્વિમિંગ પૂલના સીસીટીવી હેક કરવા અને વેચવા એ આરોપીઓ માટે ખૂબ જ સામાન્ય કામ બની ગયું હતું. પણ સૌથી વધુ કમાણી બેડરૂમના લાઇવ સીસીટીવીનું એક્સેસ આપીને કરવામાં આવતી હતી.
આરોપીઓએ દેશભરના ઘણા લોકોના ઘરની અંદર લાગેલા સીસીટીવી કેમેરા હેક કરી લીધા હતા. ચિંતાની વાત એ પણ છે કે કેટલા ઘરના સીસીટીવી આરોપીઓના નિશાને આવી ગયા હતા તેનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી. આ દિશામાં તપાસ ચાલી રહી છે.
સાયબર ક્રાઇમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેડરૂમના જેટલા પણ સીસીટીવી કબજે કરવામાં આવ્યા છે એમાંના ભોટાભાગના ભારતના જ હોઈ શકે છે. પરંતુ કયા રાજ્યના છે એ જાણવા તપાસ ચાલી રહી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમણે ઘણી બધી ટેલીગ્રામ ચેનલ બનાવીને સીસીટીવી વેચવાનું નેટવર્ક સેટ કરી દીધું હતું. તેઓ ટેલીગ્રામ ચેનલનો ઉપયોગ માત્ર ગ્રાહકો શોધવા માટે કરતા હતા. અત્યાર સુધી થયેલા ખુલાસા પ્રમાણે 22 ટેલીગ્રામ ચેનલ બનાવવામાં આવી હતી. જેની સાથે સેંકડોની સંખ્યામાં લોકો જોડાયેલા હતા. આ ટેલીગ્રામ ચેનલ પર રેટ કાર્ડ મૂકવામાં આવતા હતા.
અલગ-અલગ પ્રકારના ફૂટેજની કેટેગરી બનાવીને તેનો ભાવ નક્કી કરવામાં આવતો હતો. ત્યાર બાદ તેનો ચેનલ નંબર, નામ અને ભાવ નક્કી કરીને રેટ કાર્ડ બનાવવામાં આવ્યો હતો. આ રેટ કાર્ડ જોઈને જે વ્યક્તિને રસ પડે એ પર્સનલ મેસેજ કરીને સીસીટીવી ખરીદવાનું જણાવતો હતો. આ સમયે ગ્રાહકને પેમેન્ટ કરવા માટે QR કોડ મોકલવામાં આવતો હતો. જેવું પેમેન્ટ થઈ જાય એટલે ગ્રાહકને સીસીટીવી કેમેરાના એક્સેસ માટેનું બીજું QR કોડ મોકલી દેતા હતા. આ QR કોડ સ્કેન કરતાની સાથે જ જે તે બેડરૂમના કેમેરાનું લાઇવ એક્સેસ મળી જતું હતું.