અમરેલી લેટરકાંડ : આખરે 3 પોલીસકર્મીઓની બદલી કરતા DGP વિકાસ સહાય


ગાંધીનગર, 25 ફેબ્રુઆરી : અમરેલી બનેલા ચર્ચાસ્પદ લેટરકાંડ મુદ્દે આખરે રાજ્ય પોલીસવડા એક્શનમાં આવ્યા છે. DGP વિકાસ સહાયે કાર્યવાહી કરતા ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે. આ પ્રકરણમાં કથિત આરોપી પાયલ ગોટીએ ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ મુદ્દો વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો. ત્યારબાદ રાજ્ય પોલીસવડાએ PI-PSIની તાત્કાલિક બદલી કરી દીધી છે.
કોની બદલી કરવામાં આવી? ક્યાં મુકાયા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જે ત્રણ પોલીસકર્મીઓની બદલી કરી છે તેમાં અમરેલીના પીઆઈ એ.એમ.પટેલ, અમરેલી સાયબર ક્રાઈમના પીઆઈ એ.એમ.પરમાર અને અમરેલી એલસીબી પીએસઆઈ કુસુમબેન પરમારનો સમાવેશ થાય છે. આ ત્રણેયને અનુક્રમે કચ્છ પશ્ચિમ ભુજ, વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્ય ખાતે બદલી કરી દીધી છે. રાજ્યના પોલીસ વડાએ આ બદલીઓને જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને છોડવામાં નહીં આવે.
શું હતી આ વિવાદાસ્પદ સમગ્ર ઘટના?
મહત્વનું છે કે, અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.
સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.
આ પણ વાંચો :- બાંગ્લાદેશની રાજનીતિમાં મોટા પરિવર્તનના પડઘમ, આ મોટા નેતાએ આપ્યું રાજીનામું