ગુજરાતના યુવાનો માટે માઠા સમાચાર, જીપીએસસીએ વર્ગ 1 અને વર્ગ 2ની આ બે ભરતી રદ્દ કરી


ગાંધીનગર, 25 ફેબ્રુઆરી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ પણ રાજ્યના યુવાનો માટે નિરાશાજનક જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ગ 1 અને વર્ગ 2 માટેની બે ભરતી જીપીએસસી દ્વારા રદ્દ કરવામાં આવી છે.
આ બે ભરતી રદ્દ કરવામાં આવી
જીપીએસસી દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશ્નર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1 (જા.ક. 116/2024-25) ની કુલ-01 જગ્યા અને મદદનીશ કમિશ્નર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-2 (જા.ક. 117/2024-25) ની કુલ-02 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSCએ બંને જાહેરાતો રદ કરી છે. વિભાગ દ્વારા પ્રસ્તુત જગ્યાઓના નવેસરથી માંગણીપત્રકો મળ્યા બાદ નવી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંગે સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલાં કૃષિ વિભાગે 144 જગ્યાઓ રદ કરી હતી.
કૃષિ વિભાગે નવી જગ્યા ઊભી કરવાને બદલે 144 જગ્યાઓ રદ કરી
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ગ-3 અને વર્ગ-4 આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે હયાત જગ્યાઓ રદ કરવામાં આવી છે. આ સમાચારથી સરકારી નોકરીની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોમાં નિરાશા વ્યાપી જવા પામી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ દ્વારા રજૂ થયેલા દરખાસ્ત પર વિચારણા બાદ આ નિયમનું અમલ થશે. કૃષિ અને સહકાર વિભાગના સચિવે જણાવ્યું કે આ પગલું વિભાગની કાર્યક્ષમતા અને કાર્યક્ષેત્રની સુધારણા માટે મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો :- Video : ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો પ્રારંભ