અમદાવાદ : 614 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા યોજાશે


- માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે
- મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
- 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે
અમદાવાદમાં અત્યાર સુધી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઇ છે પણ હવે અમદાવાદના નગરદેવી માતાજી ભદ્રકાળી ભક્તોને દર્શન આપવા માટે આવશે.
માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે
26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતાજી ભદ્રકાળીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખીને યાત્રા કાઢવામાં આવશે. મંદિરના પૂજારી અને મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા શશિકાંતભાઈ તિવારીએ જણાવ્યું કે, મંદિર દ્વારા પહેલી વખત માતાજીને નગરયાત્રાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, યાત્રાધામ વિકાસબોર્ડ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. હજારો લોકો આ યાત્રામાં જોડાઈ શકે છે.
90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે
આ યાત્રામાં અંદાજે 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબ્લો ટ્રકો, 3 ભજન મંડળીઓ જોડાશે. નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે. યાત્રા ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે.
મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી
આ યાત્રામાં અંદાજે 5000 માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવવાના છે. આ સિવાય જે લોકો જોડાશે તે પ્રમાણે પ્રસાદ અને ભોજનની અન્ય વ્યવસ્થા કરવામાં આવશે. એક વખત લોકોનો સાથ મળશે પછી દર વર્ષે ચોક્કસ તિથિએ માતાજીની રથયાત્રા કાઢવાનું ભદ્રકાળી મંદિર ટ્રસ્ટની વિચારણા છે.
આ પણ વાંચો: ગુજરાત : પોરબંદર-દ્વારકા હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો, 2 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ