વિદેશથી પરત ફરેલા યુવકે ગર્લફ્રેન્ડ સહિત પોતાના જ પરિવારના 5 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા


તિરુવનંતમપુરમ, 25 ફેબ્રુઆરી 2025: કેરળની રાજધાની તિરુવનંતપુરમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 23 વર્ષિય એક વ્યક્તિએ કેરલની રાજધાનીમાં પોલીસ સામે આત્મસમર્પણ કરી દીધું છે. તેણે પરિવારના પાંચ લોકો અને ગર્લફ્રેન્ડ સહિત છ લોકોની હત્યાની વાત કબૂલી છે. જો કે તેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આરોપીની માની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
હત્યા કર્યા બાદ ખુદ ઝેર ગટગટાવી ગયો
5 લોકોની ક્રૂર હત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના રવિવાર ઢળતી સાંજે લગભગ 4 વાગ્યાની છે. પોલીસ સામે સરેન્ડર કરનારા આરોપીએ જણાવ્યું કે, પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ તેણે ઝેર ખાઈ લીધું. પોલીસે આરોપીને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.
આરોપી યુવકની ઓળખાણ થઈ
આરોપીની ઓળખાણ પેરુમલાના રહેવાસી અફાન તરીકે થઈ છે. અફાને કબૂલ કર્યું છે કે તેણે ત્રણ ઘરોમાં રહેતા છ લોકોને મારી નાખ્યા છે. આરોપીના દાવાની તપાસ કરવા ગયેલી પોલીસે જાણ્યું કે, 3 ઘરોમાં છ પીડિત લોહીથી લથબથ હાલતમાં પડ્યા હતા.
માને બાદ કરતા તમામ લોકોના મૃત્યુ થઈ ગયા
પોલીસે પહોંચતાની સાથે જ અફાનની માને બાદ કરતા તમામ લોકોએ દમ તોડી દીધો હતો. તેમની માતા શેમીની હાલત ગંભીર હતી. તેમને તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા.
ગર્લફ્રેન્ડ સહિત પરિવારના તમામ લોકોની હત્યા
આરોપીએ કથિત રીતે પોતાની દાદી, નાનો ભાઈ અને અન્ય સંબંધીઓ સહિત પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી. મૃતકોની ઓળખ પણ થઈ છે. જેમાં દાદી સલમાબીબી, 13 વર્ષિય ભાઈ અફસાન, તેના પિતાના ભાઈ લતીફ, લતીફની પત્ની, શાહિદા અને ગર્લફ્રેન્ડ ફરઝાનાની હત્યા કરી છે.
હાલમાં જ વિદેશથી પરત ફર્યો હતો યુવક
આરોપી અફાન પોતાના પિતા સાથે વિદેશમાં રહેતો હતો. હાલમાં જ તે વિઝિટિંગ વીઝા પર પરત ફર્યો હતો. તેની માતાની કેન્સરની સારવાર ચાલી રહી હતી. પોલીસ હત્યાના કારણો જાણવાની કોશિશ કરી રહી છે.
આ પણ વાંચો: શું પાકિસ્તાનના પીએમ પોતાનું નામ બદલી દેશે? ભારતને લઈ આપી મોટી ચેલેન્જ