ચેમ્પિયન્સ ટ્રોફી : પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટુર્નામેન્ટની બહાર, ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં પ્રવેશ્યા

રાવલપિંડી, 24 ફેબ્રુઆરી : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની છઠ્ઠી મેચ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રાવલપિંડીમાં રમાઈ હતી. આ બંને ટીમો ભારત અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં સામેલ છે. આ મેચના પરિણામથી ગ્રુપ Aની બંને સેમી ફાઇનલિસ્ટ ટીમોના નામ નક્કી થઇ ગયા છે.
આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે બાંગ્લાદેશ સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. આ પહેલા તેણે પોતાની શરૂઆતની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડની આ જીત પછી બે ટીમો સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી 2 ટીમો એક સાથે બહાર થઈ ગઈ
ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જેના કારણે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે આ ટીમના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાનની ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમિફાઇનલની રેસમાં રહેવા માટે બાંગ્લાદેશની જીતની જરૂર હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની જીતે તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પાકિસ્તાન ટીમ માટે આ એક મોટો ઝટકો છે કારણ કે તે આ ટૂર્નામેન્ટમાં ઘણી અપેક્ષાઓ સાથે ઉતરી હતી. તે આ ટુર્નામેન્ટની હોસ્ટ પણ છે.
મહત્વનું છે કે પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશની ટીમ પણ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ બંને ટીમો આ ટુર્નામેન્ટમાં હજુ સુધી એક પણ જીત હાંસલ કરી શકી નથી. પાકિસ્તાનને તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સાથે જ બીજી મેચમાં તેને ભારતીય ટીમે હાર આપી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડ પહેલા બાંગ્લાદેશ પણ ભારતીય ટીમ સામે મેચ હારી ગયું હતું. હવે આ બંને ટીમો ગ્રૂપ સ્ટેજમાં એકબીજા સામે તેમની છેલ્લી મેચ રમશે, જેની પોઈન્ટ ટેબલ પર કોઈ અસર નહીં થાય.
રચિન રવિન્દ્રએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી
આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. બાંગ્લાદેશની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 236 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન નઝમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 77 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ ખેલાડી 50 રનના આંકડાને સ્પર્શી શક્યો નહોતો.
237 રનના લક્ષ્યનો પીછો કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. તેણે માત્ર 72 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારીને પોતાની ટીમને જીત તરફ લઈ ગઈ. ન્યૂઝીલેન્ડે આ લક્ષ્યાંક 46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો :- નકલી પાન અને આધારકાર્ડથી વેપારીઓ સાથે છેતરપિંડી, મુંબઈમાંથી મોટા રેકેટનો પર્દાફાશ, જાણો વિગતો