બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી: 54 વર્ષમાં પહેલીવાર વેપાર થયો શરૂ

HD ન્યુઝ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: ૨૦૨૫: બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી રહી છે. બાંગ્લાદેશનો ભારત વિરોધી અને પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ આ દેશ માટે મોંઘો સાબિત થઈ શકે છે. ૫૪ વર્ષમાં પહેલી વાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર શરૂ થયો છે. તાજેતરમાં, બાંગ્લાદેશે પાકિસ્તાની માલસામાન અંગે મંજૂરી આપી હતી કે ત્યાંથી આવતા કાર્ગોની કોઈ ભૌતિક તપાસ કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, હવે બંને દેશો વચ્ચે સીધા વેપારને પણ મંજૂરી આપવામાં આવી છે.
૧૯૭૧ના ભાગલા પછી પહેલી વાર પાકિસ્તાન અને બાંગ્લાદેશે સીધા વેપાર સંબંધો પુનઃસ્થાપિત કર્યા છે. આ ઐતિહાસિક પગલામાં, સરકારની મંજૂરી મળ્યા બાદ પ્રથમ કાર્ગો જહાજ પાકિસ્તાનના પોર્ટ કાસિમથી બાંગ્લાદેશ માટે રવાના થયું છે. બંને દેશો વચ્ચે ફેબ્રુઆરી 2025 ની શરૂઆતમાં કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશ ‘ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન’ દ્વારા 50,000 ટન પાકિસ્તાની ચોખા ખરીદવા સંમત થયું હતું. આ ચોખા બે તબક્કામાં મોકલવામાં આવશે: 25,000 ટનનો પહેલો માલ હાલમાં બાંગ્લાદેશ જવા માટે તૈયાર છે, જ્યારે બાકીના 25,000 ટન માર્ચની શરૂઆતમાં મોકલવામાં આવશે.
સરકારી મંજૂરી સાથે પાકિસ્તાનથી બાંગ્લાદેશ માલ મોકલવામાં આવ્યો છે. આ માલવાહક જહાજ કરાચીના કાસિમ બંદરથી રવાના થયું હતું. બાંગ્લાદેશની રચના ૧૯૭૧માં થઈ હતી અને ત્યારથી તેનો ક્યારેય પાકિસ્તાન સાથે સીધો વેપાર થયો નથી. આવી સ્થિતિમાં, આ પરિવર્તન ખૂબ મોટું છે. દરિયાઈ વેપારની દ્રષ્ટિએ આ એક મોટો સીમાચિહ્નરૂપ છે. ભારતના ભાગલાના પરિણામે બનેલા પાકિસ્તાનના એક ભાગને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું, જે 1971માં અલગ થઈ ગયું અને તેનું નવું નામ બાંગ્લાદેશ બન્યું. મુસ્લિમ બહુમતીવાળા બાંગ્લાદેશની રચના બંગાળી ભાષાના નામે થઈ હતી, પરંતુ શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા પછી, ત્યાં ઇસ્લામિક કટ્ટરપંથી શક્તિઓ ફરીથી મજબૂત બની રહી છે.
પાકિસ્તાન સાથે વેપાર વધવાની સ્થિતિમાં, બાંગ્લાદેશનો ભારત સાથેનો વ્યવસાય નબળો પડવાની શક્યતા છે. બાંગ્લાદેશ ભારતમાંથી મોટા પ્રમાણમાં ખાદ્ય પદાર્થોની આયાત કરતું રહ્યું છે, પરંતુ હવે તે પાકિસ્તાનની નજીક જઈ રહ્યું છે. શેખ હસીનાના સત્તા પરથી ગયા પછી, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પાકિસ્તાન સાથેની નિકટતા વધારી છે.
આ પણ વાંચો..પાકિસ્તાન મંદિરો પર ખર્ચ કરશે એક અબજ: જાણો શું છે આ પડોશી દેશનો માસ્ટર પ્લાન