અમદાવાદના નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડી: બે મજૂરો દટાયા


અમદાવાદ, ૨૩ ફેબ્રુઆરી: અમદાવાદના નિકોલ વિસ્તારમાં મનમોહન પાર્ક નજીક ડી માર્ટ મોલની નિર્માણાધીન સાઈટ પર ભેખડ ઘસી પડી. જેમાં 2 વ્યક્તિ દબાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કામગીરી શરૂ કરી હતી. બેમાંથી એકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જેમાંથી એકનું મોત નીપજ્યું છે.
અમદાવાદ ફાયર બ્રિગેડને કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે નિકોલ- વિરાટનગર રોડ પર મનમોહન પાર્ક ચાર રસ્તા નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટના ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડવાની ઘટના બની છે. કિંગ સ્ટોન કન્સ્ટ્રકશન સાઈટ પર બની રહેલી બિલ્ડિંગની ભેખડ ધસી પડતા તેની નીચે બે શ્રમિકો દબાયા હતા. જેથી ફાયર સ્ટેશનની બેથી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા રેસ્ક્યુ શરૂ કરીને એક વ્યક્તિને સભાન હાલતમાં બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થે 108માં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા વ્યક્તિને પણ 15 થી 20 મિનિટમાં બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.
આ પણ વાંચો..અમદાવાદના લાંભામાં લાકડાના જથ્થામાં લાગી ભીષણ આગ: જાણો કેટલું થયું નુકશાન