VIDEO: લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગાન વાગ્યું, પાકિસ્તાન ICC પર લાલઘૂમ થયું


નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2025: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 ફેબ્રુઆરી શનિવારના રોજ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં એવી ઘટના બની ગઈ, જેને જોઈ દર્શકો પણ ચોંકી ગયા. હકીકતમાં જોઈએ તો, આ મેચ શરુ થતાં પહેલા બંને ટીમ રાષ્ટ્રગાન માટે લાઈનમાં ઊભા હતા. આ દરમ્યાન આસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વાગવાની જગ્યાએ ભારતનું રાષ્ટ્રગાન વાગવા લાગ્યું હતું. ભૂલ સમજાતા તરત જ અધિકારીઓએ ભારતનું રાષ્ટ્રગાન રોકી દીધું. બાદમાં ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગાન વાગવાનું શરુ થયું.
આઈસીસી પર પાકિસ્તાન અકળાયું
હવે આ ઘટનાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને દોષિત ઠેરવ્યું છે. ભારતનું રાષ્ટ્રગાન વગાડવાથી ગુસ્સે થયેલા પીસીબીએ આઈસીસી પાસેથી આ સમગ્ર મામલે સ્પષ્ટતા માગી છે. આઈસીસીના એક નજીકના સૂત્રે તેની પુષ્ટિ કરી છે કે પીસીબીએ આ ઘટનાને રેખાંકિત કરતા આઈસીસીને પત્ર મોકલી સ્પષ્ટીકરણ માગ્યું છે.
A rare mix-up at Lahore’s Gaddafi Stadium!
The Indian National Anthem played before the Australia vs. England #ChampionsTrophy match — technical glitch or just history making itself? 🇮🇳🎶 #Cricket
Video surfaced on social media pic.twitter.com/RteSDFMv9s— Ravinder Singh Robin ਰਵਿੰਦਰ ਸਿੰਘ رویندرسنگھ روبن (@rsrobin1) February 22, 2025
સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું છે કે પીસીબીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ ગરબડ માટે આઈસીસી જવાબદાર છે અને તેમને સ્પષ્ટતા આપવી પડશે. કેમ કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી રહી નથી, તો એ સમજાતું નથી કે તેમનું રાષ્ટ્રગાન પ્લે લિસ્ટમાંથી ભૂલથી કેવી રીતે વાગી ગયું.
પીસીબીએ આ અગાઉ પણ આઈસીસીને પત્ર લખ્યો હતો કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં થયેલી મેચ દરમ્યાન તેમના નામનો લોગો ટીવી સ્ક્રીન પર દેખાતો નથી. આઈસીસીએ કહ્યું હતું કે, આ ભૂલથી થયું છે અને દુબઈમાં તમામ મેચોમાં ત્રણ લાઈનમાં આડો લોકો દેખાડવામાં આવશે, જેમાં પાકિસ્તાનનું નામ હશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચ પહેલા મહાકુંભમાં વિશેષ આરતી, ટીમ ઈંડિયાની જીત માટે પૂજા થઈ