ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફી : ઇંગ્લિસ સામે અંગ્રેજો ઘુંટણીએ, CTમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી જીત

Text To Speech

લાહોર, 22 ફેબ્રુઆરી : ઓસ્ટ્રેલિયાની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત જીત સાથે કરી છે. 22 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ ગદ્દાફી સ્ટેડિયમ, લાહોરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.  ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 352 રનનો ટાર્ગેટ હતો જે તેણે 48મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ સૌથી મોટો ચેઝ હતો. તે ICC ODI ટૂર્નામેન્ટનો સૌથી સફળ રન ચેઝ પણ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમની જીતનો હીરો વિકેટકીપર જોશ ઈંગ્લિસ રહ્યો હતો. ઇંગ્લિસે 86 બોલમાં અણનમ 120 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.  ઈંગ્લિસ અને એલેક્સ કેરી વચ્ચે પાંચમી વિકેટ માટે 146 રનની ભાગીદારી થઈ, જેણે મેચનો નકશો બદલી નાખ્યો.  કેરીએ 63 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 69 રન બનાવ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે આઠ વિકેટે 351 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓપનર બેન ડકેટે 165 રન બનાવ્યા જેમાં 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. ડકેટ ઉપરાંત જો રૂટે પણ 78 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર બેન દ્વારશુઈસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિન બોલર માર્નસ લાબુશેન અને એડમ ઝમ્પાને બે-બે સફળતા મળી હતી.

બેન ડકેટે તેની સદીની ઇનિંગ્સ દરમિયાન ઇતિહાસ રચ્યો હતો. ડકેટ ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટી ઈનિંગ્સ ધરાવનાર બેટ્સમેન બન્યો હતો. ડકેટે નાથન એસ્ટલ (ન્યૂઝીલેન્ડ) અને એન્ડી ફ્લાવર (ઝિમ્બાબ્વે)નો રેકોર્ડ તોડ્યો હતો. નાથન એસ્ટલે 2004ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં યુએસએ સામે અણનમ 145 રન બનાવ્યા હતા. જ્યારે એન્ડી ફ્લાવરે 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે 145 રનની ઇનિંગ રમી હતી.

Back to top button