ગાંધીનગર: 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે 1148 કરોડથી વધુની સહાય; “કિસાન સન્માન સમારોહ”માં PM નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન

22 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બિહાર ખાતે યોજાનાર “રાષ્ટ્રીય કિસાન સન્માન સમારોહ” દરમિયાન દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯ મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “કિસાન સન્માન સમારોહ” યોજાશે. જેમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ રહેશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
9.7 કરોડ ખેડૂતોને 22000 કરોડથી વધુની સહાય
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM KISAN યોજનાના ૧૯માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર”નું શુભારંભ થશે
રાજ્ય કક્ષાના સમારોહમાં CMના હસ્તે કૃષિ ભવન-ગાંધીનગર ખાતે અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ નવીન “કૃષિ પ્રગતિ-કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર”નું ઇ-લોકાર્પણ તેમજ રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ થશે. આ ઉપરાંત સમારોહ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને વિવિધ કૃષિ એવોર્ડ મેળવેલ ખેડૂતોને મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું.
2.5 લાખથી વધુ ખેડૂતો જોડાશે
આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં પણ “કિસાન સન્માન સમારોહ”નું ગ્રામ્ય વિસ્તારો અને ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત આશરે ૨.૫ લાખથી વધુ ખેડૂતો જોડાશે. સાથે જ કાર્યક્રમના સ્થળોએ FPO તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલ પણ રાખવામાં આવશે.
18,813 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, PM-કિસાન અંતર્ગત ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં ૧૮ હપ્તાના માધ્યમથી કુલ રૂ. ૩.૪૬ લાખ કરોડની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને ૧૮ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૧૮,૮૧૩ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.