ગુજરાત: શિક્ષિકાને વીડિયો કોલમાં પોલીસના નામે ધમકાવી રૂ.15.50 લાખ પડાવી લેવાયા

- ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા
- પુત્રીનું અપહરણ કરવા સુધીની ધમકીઓ આપી રૂ.15.50 લાખ પડાવી લેવામાં આવ્યા
- વોટ્સઅપમાં આવેલ નંબર વિરુદ્ધ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરવવામાં આવ્યો
ગાંધીધામની ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં મહિલાને પોલીસની ખોટી ઓળખ આપી અને મની લોન્ડરીંગના રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે તેવું કહી અને મહિલાની પુત્રીનું અપહરણ કરવા સુધીની ધમકીઓ આપી રૂ.15.50 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
અજાણ્યા નંબરથી વોટ્સઅપમાં સાયબર ક્રાઈમ વિભાગ મુંબઈ નામનો મેસેજ આવ્યો
ગાંધીધામ શહેરના વોર્ડ નં.7 બીમાં રહેતા અને ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા 52 વર્ષીય કાંતાબેન નરેશભાઈ સોલંકીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે ડીજીટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમને અજાણ્યા નંબરથી વોટ્સઅપમાં સાયબર ક્રાઈમ વિભાગ મુંબઈ નામનો મેસેજ આવ્યો અને તરત જ વીડિયો કોલ આવ્યો હતો. જેમાં પોલીસની વરદીમાં એક વ્યક્તિ હાજર હતો તેણે કહ્યું કે, હું મુંબઈ પોલીસમાંથી બોલું છું તમારા પર મની લોન્ડરીંગનો કેસ થયો છે અને તમારા નામે કેનેરા બેંક મુંબઈમાં બેંક ખાતું ખુલ્યું છે. જેમાં મનીલોન્ડરીંગના 25 લાખ આવ્યા છે. હજુ બે કરોડ આવવાના છે. આ મનીલોન્ડરીંગ કરનારને અમે પકડી લીધો છે. તેના ફોટા સહિતની વિગતો ફરિયાદીને મોકલાવી હતી. તેમજ ઈડીના નામે મહિલાનો અરેસ્ટ ઓર્ડર બનાવી મોકલ્યો હતો.
કેનેરા બેંક મુંબઈ ખાતામાં મની લોન્ડરીંગના પૈસા આવ્યા
તેમજ અશોક સ્થંભ સાથેના લેટરપેડમાં નાણાકીય રકમ ફ્રીઝ કરવાનો ઓર્ડર મોકલાવ્યો હતો. ફરિયાદીનું નામ, આધારકાર્ડ સહિતની વિગતો મોકલાવી હોવાથી ફરિયાદીને વિશ્વાસ આવ્યો અને તેઓ ડરી ગયા, આ ડરનો લાભ લઈ આરોપીએ તેમની મિલકત જાહેર કરવા માટે દબાણ કર્યું અને કેનેરા બેંક મુંબઈ ખાતામાં મની લોન્ડરીંગના પૈસા આવ્યા છે. તેમ કહી 25 લાખ જેટલી રકમ તમારે ખાતામાં નાખવી પડશે.
આરબીઆઈ દ્વારા મની લોન્ડરીંગમાં આવેલ રકમના સિરિયલ નંબર ચેક કરવામાં આવશે
આરબીઆઈ દ્વારા મની લોન્ડરીંગમાં આવેલ રકમના સિરિયલ નંબર ચેક કરવામાં આવશે. જો તમારા પૈસા સિરિયલ નંબર મેચ નહીં થાય તો તમારા પૈસા પરત મળી જશે. તમારા પૈસા સરકાર પાસે સેફ હોવાનું કહી ચિંતા ન કરો તેમ કહીં વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ પોલીસની ખોટી ઓળખ ઊભી કરી મની લોન્ડરીંગના નામે ડરાવી ધમકાવી ઓનલાઈન બળજબરીથી નાણાં પડાવી લીધા હોવાનું જ્ઞાન થતાં વોટ્સઅપમાં આવેલ નંબર વિરુદ્ધ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર